હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાડા ગામની નર્મદા કેનાલમાં હાલોલના વકીલે ઝંપલાવી આપધાત કર્યો

હાલોલ, હાલોલ શહેરના સ્ટેશન વિસ્તારની ગોકુળધામ સોસાયટીમાં રહેતા એડવોકેટ અગમ્ય કારણોસર હાલોલ-વડોદરા હાઈવે સ્થિત ખંડીવાડા ગામ નજીકની નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કરતા નગરમાં ચકચાર મચી જવા પામી છે.

ગોકુળધામ સોસાયટીમાં રહેતા એડવોકેટ જય સી.ચોૈહાણ(ઉ.વ.32)પરિણીત છે, તેઓ ગત મંગળવારે ધરેથી કોઈને કહ્યા વગર વિના નીકળી ગયા હતા. બપોરે જમવાનો સમય થતાં તેમના પિતાએ તેમને ફોન કર્યો હતો. પરંતુ સામે જયે થોડીવારમાં આવુ છુ કહી બાદમાં તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેને લઈ પરિવારજનોને ચિંતા થતાં તેમની શોધખોળ કરી હતી. પરંતુ મોડીસાંજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન હાલોલ-વડોદરા હાઈવે પરના ખંડીવાડા ગામ પાસે નર્મદાનુ મુખ્ય કેનાલ પાસેથી તેમની બાઈક મળી આવતા પરિવારજનોને કંઈક અજુગતુ બન્યુ હોવાની આશંકા સાથે ધા્રસ્કો લાગ્યો હતો. બનાવ અંગે હાલોલ પાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમે કેનાલમાં પાણીમાં બોટ મારફતે તપાસ હાથ ધરી હતી. પરંતુ દિવસભરની તપાસના અંતે કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ બીજા દિવસે ફરીથી તપાસ કરતા જે સ્થળેથી જયની બાઈક મળી હતી ત્યાંથી બે-ત્રણ કિ.મી.દુર પાણીમાં તેનો મૃતદેહ પાણીની સપાટી પર મળી આવ્યો હતો. જેથી સ્થાનિક લોકોએ તેનો મૃતદેહ બહાર કાઢી જરોદ પોલીસ મથકે તેમજ જય ચોૈહાણના પરિવારજનોને જાણ કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.