નવીદિલ્હી,
દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા મર્ડસ કેસે તમામને હચમચાવી દીધા છે. શ્રદ્ધા વાકરના લિવ ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ હત્યા બાદ તેના મૃતદેહના ૩૫ ટુકડા કરી દીધા હતા. આફતાબે મેમાં શ્રદ્ધાની હત્યા કરી હતી અને શરીરના ટુકડા કરી ફ્રીઝમાં રાખી દીધા હતા. તે સતત ૧૮ દિવસ સુધી મૃતદેહના ટુકડા લઈને જંગલમાં ફેંકી આવતો હતો. જ્યારથી આ હત્યાકાંડનો મામલો સામે આવ્યો છે, ત્યારથી દેશભરમાં આફતાબને કડકમાં કડક સજા આપવાની માંગ આપવામાં આવી રહી છે. આ વચ્ચે સ્વરા ભાસ્કરે મામલામાં ટ્વીટ કર્યું છે.
સ્વરા ભાસ્કર લખે છે કે તેની પાસે આ હચમચાવી નાખતી ઘટના માટે કોઈ શબ્દ નથી. તેમણે આરોપીને રાક્ષસ કહ્યો છે. સ્વરાએ ટ્વીટ કર્યું- આ ઘટના ભયાનક, રૂવાંટા ઉભા કરી દેનાર અને દુખદ છે. તેના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. આ યુવતીની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો, જેને તે પ્રેમ કરતી હતી, જેના પર તે વિશ્વાસ કરતી હતી. આશા છે કે પોલીસ જલદી મામલામાં પોતાની તપાસ પૂરી કરશે અને તે રાક્ષસને આકરી સજા મળશે જેનો તે હકદાર છે.
દિલ્હી પોલીસ પ્રમાણે, આફતાબ અને શ્રદ્ધાની મુલાકાત ડેટિંગ એપ બંબલ દ્વારા થઈ હતી. શ્રદ્ધાના મર્ડરના ૨૦-૨૫ દિવસની અંદર આફતાબે ડેટિંગ એપ દ્વારા બીજી ગર્લફ્રેન્ડ બનાવી હતી, જેને લઈને લેટ પર આવતો હતો. જ્યારે બીજી ગર્લફ્રેન્ડ આવી તો આફતાબે શ્રદ્ધાના બોડી પાર્ટ્સને કબાટમાં રાખી દીધા હતા. પોલીસ સૂત્રોનું તે પણ કહેવું છે કે શ્રદ્ધાને મારવા માટે આફતાબ લાંબા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો. તે માટે તે ઘણા ક્રાઇમ શો અને હોલીવુડ વેબ સિરીઝથી મારવાની યોજના શીખી હતી.