દાહોદના ખરેડી ગામે 23 વર્ષીય પરણિતાએ થોડા દિવસ પહેલા સાસરીમાં ગળે ફાંસો ખાઈ આપધાતના કિસ્સામાં મૃતકની માતાએ ન્યાયની માંગ સાથે અરજી કરી

દાહોદ,\દાહોદ તાલુકાના ખરેડી ગામે એક 23 વર્ષિય પરણિતાએ થોડા દિવસો પહેલા પોતાની સાસરીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના બનાવ બાદ આ મામલે ન્યાયની માંગણી સાથે પરણિતાની માતા દ્વારા દાહોદ જીલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરી જણાવ્યું હતું કે, પોતાની દિકરીના પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિતાને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી પોતાની દિકરીને મારી નાંખી મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો હોવાના અરજીમાં આક્ષેપો આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે દાહોદ જીલ્લા પોલીસ વડા સમક્ષ પરણિતાની માતાએ લેખીત રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.27.05.2024ના રોજ દાહોદ તાલુકાના ખરેડી ગામે તળાવ ફળિયામાં રહેતી 23 વર્ષિય પરણિતા નયનાબેને પોતાના પિયરમાં ઘરે ગંળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે દાહોદ તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે પરણિતાની માતા સુવાણ બદુડીબેન તાનસિંગભાઈ (રહે. રાણાપુરખુર્દ, મોહન ફળિયું, તા.જી.દાહોદ) નાઓએ દાહોદ જીલ્લા પોલીસ વડાને આપવામાં આવેલ અરજીમાં જણાવ્યાં અનુસાર, પોતાની દિકરી નયનાબેનને તેના પતિ કલારા વનરાજભાઈ કડુભાઈ, સસરા કલારા કડુભાઈ તેમજ સાસરીપક્ષના કલારા રાકેશભાઈ કડુભાઈ, રીન્કુબેન રાકેશભાઈ તથા મજલીબેન કડુભાઈનાઓ પરણિતા નયનાબેનને છેલ્લા કેટલાંક સમયથી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં હતાં. આ મામલે મૃતક પરણિતા નયનાબેને પોતાના પિયરજનોને જાણ પણ કરી હતી. ત્યારે સુવાણ બદુડીબેન તાનસિંગભાઈનાઓએ સમાજ રાહે સમાધાન કરવાનું નક્કી કર્યુ હતું પરંતુ તારીખ 27.05.2024ના રોજ નયનાબેન પોતાના પિયરમાં ગળેફાંસો હાલતમાં મૃતદહે મળી આવ્યો હતો ત્યારે આ મામલે સુવાણ બદુડીબેન તાનસિંગભાઈના ઓએ દાહોદ તાલુકા પોલીસ મથકે જઈ પરણિતાના સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવવા ગયાં હતા. પરંતુ દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા માત્ર અકસ્માત મોતની કાર્યવાહી કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. અરજીમાં વધુમાં જણાવ્યાં અનુસાર, પોતાની દિકરીના સાસરી પક્ષના ઉપરોક્ત ઈસમો દ્વારા પોતાની દિકરીને મારી નાંખી તેના મૃતદેહને લટકાવી દેવામાં આવી છે. ત્યારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવે અને ન્યાય મળે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે. અગરજો પોતાને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં ગાંધીચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ પરણિતાના પરિવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.