દાહોદના દે.બારીઆ તાલુકામાં વીતેલા 24 કલાક દરમિયાન જુદી જુદી જગ્યાએ બનેલા ગોઝારા અકસ્માતના બે બનાવોમાં બે જણા કાળનો કોળિયો બન્યાનું તેમજ ચાર જણાને ગંભીર ઇજાઓ

દાહોદ, દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ગમખ્વાર અકસ્માતનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે અને તેમાં અસંખ્ય નિર્દોષ લોકો કાળનો કોળિયો બન્યાના અહેવાલો છે. તેવા સમયે દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં સર્જાયેલા ગોઝારા અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ આકલી ગામે રોડ પર રાત્રિના સમયે બનવા પામ્યો હતો. જેમાં આકલી ગામના ઈટવાડા ફળિયામાં રહેતો 24 વર્ષીય રાજેન્દ્રભાઈ રમણભાઈ નાયક તેના કબજાની જી.જે. 20 બી.જી.1217 નંબરની બજાજ કંપનીની પ્લેટીના મોટર સાયકલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ તેની સાસરી રેઢાણા ગામેથી આકલી ગામે પોતાના ઘર તરફ આવતો હતો. તે દરમિયાન તેના ગામમાં પ્રવેશતી વેળાએ મોટરસાયકલની વધુ પડતી ઝડપને કારણે તેને મોટરસાયકલના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની સાઈડમાં ઉતરી રોડની સાઈડમાં આવેલ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા મોટરસાયકલ ચાલક રાજેન્દ્રભાઈ રમણભાઈ નાયકને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે આકલી ગામના મરણ જનાર રાજેન્દ્રભાઈ રમણભાઈ નાયકના મોટાભાઈ ભુપતભાઈ રમણભાઈ નાયકે નોંધાવેલી ફરિયાદને આધારે સાગટાળા પોલીસે મરણ જનાર રાજેન્દ્રભાઈ રમણભાઈ નાયક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ગોઝારા અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારીઆના રેબારી ગામે બપોરે સવારના સાડા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં દેવગઢ બારીઆ કાપડી પટેલ ફળિયામાં રહેતા શબ્બીરભાઈ સત્તારભાઇ પટેલ તેના કબજાની હોન્ડા કંપનીની એમેઝ ફોરવીલ ગાડીમાં દેવગઢ બારીઆના ઈબ્રાહીમ અબ્દુલસલીમ પટેલ, શેહજાદ સત્તારભાઈ ચાંદા, આઝાદભાઈ હનીફભાઈ ભીખા તથા સુફીયાન અહેમદ ભીખાને બેસાડી દેવગઢ બારીઆથી કામ અર્થે ગોધરા તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં રેબારી ગામે રોડ પર સામેથી માતેલા સાંઢની જેમ યમદૂતબની ધસમસતી આવતી ટ્રકે સબીરભાઈ પટેલની એમેઝ ફોરવીલ ગાડીને જોશભેર ટક્કર મારી નાસી જતા એમેઝ ફોરવીલ ગાડી ચલાવી રહેલા દેવગઢ બારીયા કાપડીના સબીરભાઈ સત્તારભાઈ પટેલને માથામાં તથા શરીરે, ઈબ્રાહીમ પટેલને માથામાં તથા પગે, શહેજાદ ચાંદાને છાતી, કમર, પગે તેમજ માથાના પાછળના ભાગે, આઝાદભાઈ ભીખાને માથાના ભાગે તથા સુફિયાન ભીખાને કમર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઉપરોક્ત તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે દેવગઢ બારીઆ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શબીરભાઈ સત્તારભાઈ પટેલનુ મોત નીપજ્યું હતું. જ્યારે ઉપરોક્ત ચારેય ઇજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર બનતા તે તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.