વિપક્ષી દળોની પહોંચ સત્તાના ઉંબરેથી ભલે ઘણી દૂર રહી ગઈ હોય, પરંતુ તેને રાજકીય સંજીવની ચોક્કસ મળી ગઈ છે. ભાજપનો ચારસો પારનો નારો બોદો સાબિત થયો, પરંતુ તેના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન બહુમતના આંકડાને પાર કરી ગયું. પરિણામે તો અંતે જીત જ મહત્ત્વની છે, જે ભલે એક વોટથી કેમ ન હોય. ચૂંટણી બ્યૂગલ વાગતી વખતે સમય એક તરફ કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોની સત્તા સંભાળનારી ભાજપ જેવી શક્તિશાળી પાર્ટી હતી તો બીજી તરફ વિખેરાયેલો અને પરાણે જોડાયેલો વિપક્ષ. સંસાધનોથી લઈને મનોબળ સુધી, કોઈપણ મોરચે આ મુકાબલો બરાબરીનો નહોતો દેખાતો. તેમ છતાં જો કોંગ્રેસ દસ વર્ષ બાદ ૧૦૦ સીટોની નજીક અને વિપક્ષી મોરચો ઇન્ડી ગઠબંધન લગભગ ૨૦૦નો આંકડો સ્પર્શવામાં સફળ રહ્યો તો નિશ્ચિતપણે આ પ્રદર્શન તેના માટે સંજીવની સાબિત થશે, સાથે જ લોક્તંત્રને પણ મજબૂતી આપશે.
ગઈ ચૂંટણીમાં ૩૦૩ સીટો જીતનારી ભાજપ વિરુદ્ઘ વિપક્ષ કેટલી હદે પરાસ્ત હતો તેનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે ૫૫ વર્ષ સુધી કેન્દ્રીય સત્તા પર રહેલી કોંગ્રેસ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ અને હિમાચલમાં ખાતું પણ ન ખૂલી શક્યું. પાછલી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન ૧૫ સીટો જીતીને કેટલાક પડકારો ઊભા કરતું દેખાયું, પરંતુ આ ચૂંટણીમાં બસપાનો હાથી ખબર નહીં કેવી પલટી મારી ગયો. અન્ય વિપક્ષી દળોની હાલત પણ સારી ન હતી. મહારાષ્ટ્રમાં શિવસેનાએ એનડીએ છોડીને કોંગ્રેસ અને રાષ્ટ્રનવાદી કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર અવશ્ય બનાવી લીધી, પરંતુ ત્રણ વર્ષમાં સરકાર તૂટવા ઉપરાંત શિવસેના અને એનસીપી પણ તૂટી ગઈ. બે વર્ષ પહેલાં સુધી લાગતું ન હતું કે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં પણ વિપક્ષ મોદી પણ ભાજપને કોઈ પડકાર આપી શકશે, પરંતુ ૨૦૨૩માં વિપક્ષી એક્તાની કવાયતથી સમીકરણો બદલાયાં. બેશક સૂત્રધાર એ જ નીતિશકુમાર બન્યા, જે લાંબા સમય સુધી ભાજપ સાથે મળીને બિહારમાં સરકાર ચલાવતા રહ્યા અને મોદી વિરોધમાં પણ તેમણે એનડીએથી મોં ફેરવી લીધું હતું. એક્તાની કવાયતનું જ પરિણામ રહ્યું કે બે-ચાર નહીં, ૨૮ પક્ષોએ ઇન્ડી ગઠબંધન નામે નવા મોરચાનું એલાન કર્યું.
ઇન્ડી ગઠબંધન બન્યા બાદ પોતાના રજત જયંતી વર્ષમાં એનડીએ એકાએક સક્રિય થયું અને પોતાનો વિસ્તાર પણ કરવા લાગ્યું. વિસ્તારે અંતે કેન્દ્રીય સત્તાના ખેલમાં કેટલી નિર્ણાયક ભૂમિકા નિભાવે એ અલગ વિશ્લેષણનો વિષય છે, પરંતુ ઇન્ડી ગઠબંધન તેના મુકાબલે ડગમગી ગયું. તેના માટે વિપક્ષ કોઈ બીજાને દોષી પણ ન ઠેરવી શકે. કદાચ ચૂંટણી પરિણામો બાદ વિપક્ષને અહેસાસ થયો હોય કે તેના પરસ્પર ચેક-મેટના આત્મઘાતી ખેલને કારણે જ સત્તાને બદલે માત્ર સંજીવનીથી સંતોષ કરવો પડ્યો. કર્ણાટકની સત્તા ભાજપથી છીનવી ચૂકેલી કોંગ્રેસને લાગ્યું કે જો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પણ જીતી ગઈ તો ઇન્ડીના અન્ય ઘટક પક્ષો તેના ઇશારે ચાલવા મજબૂર થઈ જશે. એટલા માટે તેણે આ વિધાનસભા ચૂંટણીઓમાં અન્ય ઘટક પક્ષો સાથે તાલમેલ તો દૂર, વાત સુદ્ઘાં કરવાની જરૂર ન માની. એકબીજા વિરુદ્ઘ ઉમેદવાર ઉતાર્યા, પરસ્પર કટુતા પણ વધી. કોંગ્રેસ અણધારી રીતે તેલંગણા વિધાનસભા ચૂંટણી તો જીતી ગઈ, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ વિરુદ્ઘ ન ટકી શકી. બેશક વિપક્ષી દળોના અસ્તિત્વ પર જ તોળાતા સંકટને ધ્યાનમાં રાખીને ઇન્ડી ગઠબંધન ફરી એક વખત ફરી સક્રિય થયું. જોકે આ દરમ્યાન ઉપજેલા અવિશ્વાસનો લાભ ઉઠાવીને ભાજપ નીતિશ કુમાર અને જયંત ચૌધરીને એનડીએ સાથે જોડવામાં સફળ રહી. દેશના બે મોટાં રાજ્યોમાં બે પ્રમુખ મિત્ર દળોના પાટલી બદલાથી પણ ઇન્ડીએ બોધપાઠ ન લીધો અને પીએમનો ચહેરો તો દૂર, સંયોજક અને સંયુક્ત મિનિમમ પ્રોગ્રામ વિના જ ચૂંટણી મેદાનમાં ઉતર્યું.