સૈફ અલી ખાન ડિમાન્ડિંગ હસબન્ડ ન હતો, અભિનેત્રી અમૃતા સિંહ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડાને ૨૦ વર્ષ થઈ ગયા છે. બંનેએ ૧૯૯૧ માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૦૪માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. જોકે છુટાછેડાને ૨૦ વર્ષ થઈ ગયા હોવા છતાં પણ બંનેના ડિવોર્સ ખરેખર કયા કારણે થયા તે પ્રશ્ર્નનો જવાબ આજ સુધી મળ્યો ન હતો. પરંતુ હવે ડિવોર્સના ૨૦ વર્ષ પછી અમૃતા સિંહે છુટાછેડા પર ચુપ્પી તોડી છે. સાથે જ છૂટાછેડાનું સાચું કારણ પણ જણાવી દીધું છે.

અમૃતા સિંહે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન છુટાછેડાના કારણ વિશે ખુલાસો કર્યો. અમૃતા સિંહે જણાવ્યું કે તેને ઝડપથી બધી વસ્તુથી બહાર આવવું હતું. તે એવું ઇચ્છતી ન હતી કે તેના બાળકો પોતાના માતા પિતાને લુઝર સમજે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું કે જો તે એ ઘરમાં વધારે રહી હોત તો પરિસ્થિતિને દોષ આપતી હોત અને ખરાબ સમયને દોષ આપીને જીવન પસાર કરતી હોત. જેની ખરાબ અસર બાળકો પર પણ થઈ હોત. બાળકો આ બધું જોઈને એવું જ વિચાર કરતા હોત કે તેની માતા હારી ગઈ છે. અને આમ થાય તે ઇચ્છતી ન હતી.

અમૃતાએ ઇન્ટરવ્યૂમાં આગળ એવું પણ જણાવ્યું કે છુટાછેડા પછી તેણે એક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી કારણ કે તેને પોતાના બિલ્સ ભરવાના હતા. ૧૨ વર્ષ માટે તેણે અભિનય છોડ્યો તે વાતનો અફસોસ નથી. સૈફ સાથેના લગ્નમાં તેને ઘણું બધું મળ્યું હતું. પરંતુ તે સમયે તેને સિંગલ પેરેન્ટ બનવાનો વિચાર પણ આવ્યો નહીં.

અમૃતા સિંહ એ પણ જણાવ્યું કે સૈફ અલી ખાન ડિમાન્ડિંગ હસબન્ડ ન હતો. અમૃતા સિંહ અને સૈફ અલી ખાન વચ્ચે ૧૩ વર્ષનો તફાવત હતો. અમૃતા સિંહ સેફ અલી કરતાં ૧૩ વર્ષ મોટી હતી. હાલ અમૃતા સિંહ ૬૬ વર્ષની છે તો સૈફ અલી ખાન ૫૩ વર્ષનો. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ સારા અલી ખાન અને ઇબ્રાહીમ અલી ખાનના માતા પિતા પણ છે.