રાજકોટમાં પ્રેમિકાએ આપેલો દગો સહન ન થતા, પ્રેમીએ જીવન ટૂંકાવ્યું

જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા ખાતે રહેતા અજય ખાંભુ નામના વ્યક્તિએ ગત ૯ મી મેં ૨૦૨૪ના રોજ વાગોદડ ગામના પાટીયા પાસે આવેલી નદીમાં કૂદીને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો. આપઘાત પહેલા તેને વિડીયો બનાવ્યો હતો. આ વીડિયોમાં મૃતકે બે વ્યક્તિઓના નામ લીધા હતા. જેના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

બનાવની વિગતો જોઈએ તો, આપઘાત કરનાર યુવકે એક વિડીયો બનાવીને પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મુક્યો હતો.આ વીડિયોમાં યુવકે જણાવ્યું હતું કે, હું બાલાજીના પૂલે છું અને મમ્મી હું મરી જાઉં છું. મારા મરવાનું કારણ કિરૂડી અને રાહુલિયો બે જ છે. બીજા કોઈ નિર્દોષ હેરાન થાય અને મારી પાછળ તમે કોઈ રોતા નહીં. હું બહુ રોયો છું મા. મેં જેટલું રોવાનું હતું તે એકલાએ રોઈ નાખ્યું છે. બધાના સાટાનું હું એકલો રહી ગયો છું માફ કરી દેજો મને. આ મામલે મૃતકના ૫૦ વર્ષીય પિતાએ માવજી ખાંભુ દ્વારા રાહુલ અને કીત વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ ગુનાના આધારે ૨૪ વર્ષીય કીત પરમાર તેમજ ૩૦ વર્ષીય રાહુલ બગડા નામના પ્રેમી પ્રેમિકાને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેમનો પુત્ર અજય મેટોડા જીઆઇડીસીમાં આવેલા સિલ્વર બ્રાસ કંપનીમાં કામકાજ કરતો હતો. તેમજ તે અપરણીત પણ હતો. ગત ૦૯ મે ૨૦૨૪ ના રોજ અજય સવારે ૮:૦૦ વાગ્યે ઘરેથી ટિફિન લઈને ગયો હતો. આશરે બપોરના ૧:૦૦ વાગ્યાના અરસામાં માવજી ખાંભુ પોતાના ઘરે જમી રહ્યું હતું ત્યારે મોટાભાઈની દીકરી ચેતના દ્વારા એક વિડીયો બતાવવામાં આવ્યો હતો. જે વિડિયો અજય પોતાના વોટસએપ સ્ટેટસમાં રાખ્યો હતો. વીડિયોના આધારે પરિવારજનો વાગુદડ ગામના પાટીયા પાસે આવેલી નદી પાસે પહોંચતા અજયનું હોન્ડા ત્યાં જોવા મળ્યું હતું. બનાવ સંદર્ભે ફાઈટ બ્રિગેડ તેમજ ૧૦૮ ને ફોન કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સાંજના છ સાત વાગ્યા આસપાસની લાશ પાણીમાંથી મળી આવી હતી.મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે. એ. ગોહિલના જણાવ્યા પ્રમાણે, રાહુલ બગડા અગાઉ રાજકોટ રૂરલ પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો હતો. રાહુલ બગડા રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ કીત પરમાર પ્રાઇવેટ હોસ્પિટલમાં નસગના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. કીત પરમાર મૂળ મોરબીના બરવાળાની વતની છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ખાતે આવેલા ડાયમંડ પાર્ક ખાતે રહેતી હતી. તેમજ બંને છેલ્લા છ મહિનાથી એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાનું પણ જણાવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કીત અને અજય બંને એકબીજાના પ્રેમ સંબંધમાં હતા. બંને બે વર્ષ પૂર્વે એકબીજાના પ્રેમ સંબંધમાં બંધાયા હતા. જોકે છ મહિના પૂર્વે કીત અજયને છોડીને રાહુલના પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. જે બાબત અજયને પસંદ નહોતી પડી. અજય કોઈપણ રીતે કીતને પાછી મેળવવા માંગતો હતો. જે તે સમયે અજય કીત ના ગુગલ પે તેમજ ફોન પે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર પણ કરતો હતો. એક સમયે કીતએ અજય પાસેથી લીધેલા ૩૦,૦૦૦ રૂપિયા પરત કરવાનું પણ વચન આપ્યું હતું.