
ગુજરાત લોક્સભાની ૨૫ બેઠકો પર તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેનાં પરિણામ ગત રોજ જાહેર થવા પામ્યા હતા. લોક્સભાની ચૂંટણીમાં ઝંપલાવનાર ૨૬૬ ઉમેદવાર પૈકી ૨૧૫ જેટલા ઉમેદવારોને તેઓએ ભરેલ ડિપોઝીટ પરત મળે તેટલા પણ મત મળવા પામ્યા ન હતા. હવે આ તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે.
લોક્સભાની ચૂંટણીમાં સૌથી વધુ અમદાવાદની પૂર્વ બેઠક પર સૌથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદ પૂર્વ લોક્સભા બેઠક પર ભાજપનાં હસમુખ પટેલને ૭,૭૦,૪૫૯ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર હિંમતસિંહને ૩,૦૮,૭૦૪ મત મળ્યા હતા. ભાજપનાં ઉમેદવાર હસમુખ પટેલનો ૪,૬૧,૭૫૫ મતોથી વિજય થયો હતો. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર ૧૬ જેટલા ઉમેદવારોને ડિપોઝીટ પરત ન મળે તેટલા પણ મત ન મળતા ૧૬ જેટલા તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ જશે.
નિયમ મુજબ જે ઉમેદવારો લોક્સભામાં ઉમેદવારી નોંધાવી હોય તેને ડિપોઝીટ પરત મેળવવા માટે ઉમેદવારે કુલ મતદાનનાં છઠ્ઠા ભાગનાં મત મેળવવા જરૂર હોય છે. ત્યારે આ વર્ષે ડિપોઝીટ ગુમાવનાર ઉમેદવારોની સંખ્યા ગત ચૂંટણી કરતા ઘણી ઓછી નોંધાવવા પામી છે. તેમજ ગત ચૂંટણી કરતા આ વખતે લોક્સભાની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા પણ ઓછી નોંધાવવા પામી છે. સામાન્ય કેટેગરીનાં ઉમેદવારે ૨૫૦૦૦, રિઝર્વ કેટેગરીનાં ઉમેદવારની ડિપોઝીટ રૂા. ૧૨,૫૦૦ હોય છે.
૨૦૧૪ માં યોજાયેલી લોક્સભાની ચૂંટણીની વાત કરીએ તો વર્ષ ૨૦૧૪ માં ૩૧૯ જેટલા ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમજ ૨૫ બેઠક પૈકી ૪ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો વચ્ચે અને ભરૂચમાં ભાજપ સામે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર રહેવા પામી હતી. જેમાં ૨૫ બેઠકમાં પ્રથમ અને બીજા નંબરે રહેલા ઉમેદવારો સહિત ૫૦ જેટલા ઉમેદવારોએ ડિપોઝીટ પરત મેળવી હતી. તે સિવાયનાં ૨૧૫ જેટલા ઉમેદવારોએ કુલ મતદાનનાં ૧૦ ટકા મત પણ પ્રાપ્ત ન કર્યા હોવાથી ડિપોઝીટ ગુમાવી હતી.