રાજસ્થાનમાં ભાજપને ૧૧ સીટો પર હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યની ૨૫ બેઠકોમાંથી ભાજપને માત્ર ૧૪ બેઠકો મળી છે. જે બાદ સમાચાર સામે આવ્યા છે કે કેબિનેટ મંત્રી કિરોરી લાલ મીણા રાજીનામું આપી શકે છે.
વાસ્તવમાં પૂર્વ રાજસ્થાનમાં ભાજપે તમામ બેઠકો ગુમાવી છે. અહીં ૭ બેઠકોની જવાબદારી કિરોરી લાલ મીણાને આપવામાં આવી હતી પરંતુ ભાજપે આ બેઠકો ગુમાવી હતી. તેથી હવે કિરોરી લાલ મીણા આજે રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ઑફ રેકોર્ડ કહ્યું છે કે તેઓ હવે રાજીનામું આપશે.
ભારતના ચૂંટણી પંચે લોક્સભાની તમામ ૫૪૩ બેઠકોના અંતિમ પરિણામો જાહેર કર્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને ૨૪૦ બેઠકો પર અને કોંગ્રેસને ૯૯ બેઠકો પર વિજયી જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે લોક્સભામાં ૫૪૩ સભ્યો છે, પરંતુ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરતથી બિનહરીફ ચૂંટાયા બાદ ૫૪૨ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
બુધવારે જાહેર થયેલા અંતિમ પરિણામો અનુસાર એનડીએ બહુમતનો આંકડો પાર કરી ગયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ વખતે પણ ભાજપના ઉમેદવારો મોદીના નામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ પાર્ટી ૨૪૦ બેઠકો જીતી શકી હતી, જે બહુમત માટે જરૂરી ૨૭૨ બેઠકો કરતાં ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપને સરકાર બનાવવા માટે એનડીએના સહયોગીઓના સમર્થનની જરૂર છે.