સુરતની સારોલી પોલીસે નિયોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ૩૧ KG થી વધુનો ગાંજાનો જથ્થો કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતાં લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની સારોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.
નિયોલ ચેકપોસ્ટ પાસે તપાસ દરમિયાન પોલીસે બે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક મહિલા અને એક પુરુષને ૩૧ કિલો ૪૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઓરિસ્સાથી સુરત ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા. પોલીસે બીજયકુમાર બાઈનોકુમાર મલિક અને સોમાબારી ઉર્ફે ખુશી નિર્મળા પ્રધાન નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી જે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
તેની બજાર કિંમત ત્રણ લાખ દસ હજારથી વધુ થાય છે. આરોપીઓએ જણાવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો શંભુ ઉર્ફે ભારી લોચન ખૂંટીયા દ્વારા મંગાવવામાં આવ્યો છે અને ગાંજાનો જથ્થો બાબુ ઉર્ફે ચિન્ટુએ મોકલ્યો છે. હાલ તો પોલીસે આ બંને ઈસમો ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ મહિલા અને પુરુષ અગાઉ આવા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.