
રાજ્યમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશમાં કેરળમાં ચોમાસું બેસી ગયું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. તે પહેલા જ એન્ટી સર્ક્યુલેશન એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે.
સુરતના બારડોલી વિસ્તારમાં બાબેન ગામમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. વાતાવરણાં ઠંડક પ્રસરાઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી લોકો ગરમીથી શેકાઈ રહ્યાં હતા ત્યારે વરસાદથી લોકોને રાહત મળી છે. વલસાડમાં પણ વહેલી સવારથી આસપાસના ગામોમાં મેઘરાજા વરસ્યા હતા. અસહ્ય ગરમીથી રાહત મળતાં લોકો ખુશખુશાલ થયા છે.
નવસારીમાં વાતાવરણમાં અચાનકમાં પલટો આવ્યો છે. નવસારીના ગણદેવી બીલીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી શકે છે. જો કે વરસાદ આવતા ખેડૂતોએ પણ રાહતનો શ્ર્વાસનો લીધો છે.બીજી તરફ સુરત અને વલસાડમાં પણ વરસાદ વરસ્યો છે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ૮ અને ૯મી જૂને પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.
જગતના તાત માટે મેઘરાજાની એન્ટ્રી શુભ સમાચાર લઈને આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં ૭ થી ૧૨ જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતવરણમાં ઠંડકનો આહ્રદક અનુભવ થયો છે.