ઉત્તરાખંડના ઉત્તરકાશીના સહ તાલમાં ટ્રેકિંગ માટે ગયેલી ૨૨ સભ્યોની ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાનને કારણે રસ્તો ગુમાવી દેતાં રસ્તામાં જ ફસાઈ જતાં ચાર લોકોના મોતની આશંકા છે. ઉત્તરકાશી જિલ્લા મેજિસ્ટ્રેટ મેહરબાન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે ટ્રેકિંગ ટીમમાં કર્ણાટકના ૧૮ સભ્યો, એક મહારાષ્ટ્રના અને ત્રણ સ્થાનિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે જેઓ ૨૯ મેના રોજ સહ તાલ સુધી ટ્રેકિંગ અભિયાન પર જઈ રહ્યા હતા અને ૭ જૂને પાછા ફરવાના હતા.
જો કે, ખરાબ હવામાનને કારણે ટીમ પોતાનો રસ્તો ભૂલી ગઈ હતી અને ટ્રેકિંગ એજન્સી, હિમાલયન વ્યૂ ટ્રેકિંગ એજન્સી, મનેરીએ અધિકારીઓને ચાર લોકો વિશે જાણ કરી હતી જેમના મૃત્યુની આશંકા હતી અને ફસાયેલા ૧૩ સભ્યોને બચાવવા વિનંતી કરી હતી. બિષ્ટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને રેસ્ક્યૂ ટીમો સ્થળ પર મોકલવા અને ટ્રેર્ક્સને બચાવવા વિનંતી કરી. તેમણે સ્થાનિક બચાવ ટુકડીઓને સ્થળ પર મોકલવાનો આદેશ પણ આપ્યો હતો.
તેમણે કહ્યું કે સહ તાલ લગભગ ૪,૧૦૦-૪,૪૦૦ મીટરની ઉંચાઈ પર આવેલું છે અને ઘટના સ્થળ ઉત્તરકાશી અને ટિહરી જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલું છે. “ટ્રેકિંગ ટીમના ઝડપી બચાવ માટે, અમે ઉત્તરકાશી અને ઘણસાલી, ટિહરી તરફ બચાવ ટીમો તૈનાત કરી છે,” તેમણે કહ્યું. સહ તાલ એક શિખર પર સાત સરોવરોનું સમૂહ છે અને એવું માનવામાં આવે છે કે પાંડવો આ સ્થાનેથી સ્વર્ગ માટે રવાના થયા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટે હવાઈ બચાવ માટે કેન્દ્રીય સંરક્ષણ વિભાગના સંયુક્ત સચિવ અને જમીન બચાવ સહાય માટે જીડ્ઢઇહ્લ કમાન્ડન્ટને પત્ર લખ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ટ્રેકિંગ એજન્સીએ અધિકારીઓને જાણ કરી છે કે તેઓ બચાવ ટીમને મદદ કરવા માટે સિલ્લા ગામના લોકોને સ્થળ પર મોકલે. ટિહરી જિલ્લામાંથી પોલીસ અને વન વિભાગની ટીમોને ઘટનાસ્થળે મોકલવાની પણ વિનંતી કરવામાં આવી હતી. ટિહરી જિલ્લા પ્રશાસને સહ તાલમાં ફસાયેલા ટ્રેર્ક્સને બચાવવા માટે ટીમો મોકલી.