મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા આજે દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે.સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર આગામી ૨ દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.

દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુ કિનારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે.એક ચક્રવાતી પરિભ્રમણ મય પાકિસ્તાન પર છે.વધુ એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે.ગુજરાત ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાઈ રહ્યું છે.પૂર્વ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન, આસામ, સિક્કિમ, ઉત્તરપૂર્વ બિહાર અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વોત્તર ભારત, કેરળ, કર્ણાટક, તેલંગાણા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને આંતરિક ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, છત્તીસગઢમાં હળવો વરસાદ વરસ્યો. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો.જયારે ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ સર્જાઈ હતી.

આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, સિક્કિમ, આસામ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, ઓડિશાના ભાગો, છત્તીસગઢ, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પંજાબ અને હરિયાણાના ભાગોમાં પવન સાથે વરસાદની આગાહી પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ શક્ય છે.