વાયનાડ સીટ છોડી શકે છે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવશે

લોક્સભા ચૂંટણી માટે મંગળવારે જાહેર થયેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએને ૨૯૨ સીટો પર લીડ મળી છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ઈંડિયાને ૨૩૩ સીટ પર આગળ છે. તેની સાથે જ આ સંકેત મળી રહ્યા છે કે પીએમ મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને દેશની કમાન સંભાળશે. આ ઉપરાંત તેમનો સામનો એક મજબૂત વિપક્ષ સામે થઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડી શકે છે અને ત્યાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવાની ચર્ચા છે. આ અગાઉ એક પ્રેસ કોન્ફ્રેન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હાલમાં તેમણે તેના વિશે કોઈ નિર્ણય લીધો નથી કે વાયનાડ અને રાયબરેલીમાંથી કઈ સીટ છોડશે?

લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓ રાયબરેલીમાં હોય કે વાયનાડમાં, વિપક્ષમાં હોય કે સરકારમાં હોય, દરેક પ્રશ્ર્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જનતાએ ભાજપનો હિસાબ કરી દીધો છે. દેશે મોદીને નકારી દીધા છે. આ ચૂંટણી માત્ર એક રાજકીય પક્ષ સામે નહોતી. અમે એક પક્ષ, એક ગવર્નમેન્ટ સ્ટ્રક્ચર, સીબીઆઇ, ઈડી અને ન્યાયતંત્ર સામે લડ્યા. કારણ કે આ સંસ્થાઓ મોદી અને અમિત શાહે કબજે કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું, આ લડાઈ બંધારણને બચાવવાની હતી. જ્યારે પાર્ટીનું બેંક એકાઉન્ટ કેન્સલ ફ્રિઝ કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય મંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા ત્યારે મને ભરોસો હતો કે, ભારતના લોકો તેમની ચાલને સફળ થવા દેશે નહીં. જનતાનો દિલથી આભાર. તમે બંધારણને બચાવવા માટે પહેલું અને સૌથી મોટું પગલું ભર્યું છે. અમે સરકારી એજન્સીઓ સામે લડ્યા. જ્યાં પણ ગઠબંધન થયું ત્યાં અમે એક બનીને લડ્યા. કોંગ્રેસે દેશને એક નવું વિઝન આપ્યું છે. અમે તેમના પ્રયાસોને સફળ થવા દઈશું નહીં. જે વચને આપ્યા તે અમે પૂર્ણ કરીશું.

તેમણે કહ્યું હતું કે ગઠબંધનના નેતાઓ જે પણ નિર્ણય લેશે તે અંતિમ નિર્ણય હશે. અમારા સાથીઓ સાથે વાત કર્યા બાદ જ અમે સરકારની રચના અંગે શું કરવું તે નક્કી કરીશું. કોંગ્રેસ એકલી નથી. અમારી સાથે બીજી ઘણી પાર્ટીઓ છે. તેમની સાથે બેઠક કરીશું, કારણ કે આજે અમારી પાસે ખરેખર આનો જવાબ નથી.