લોક્સભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. આ દરમિયાન શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોક્સભા બેઠક પરથી માત્ર ૪૮ મતોથી જીત્યા છે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ સૌથી ઓછા અંતરથી મળેલી જીત છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર રવિન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોક્સભા બેઠક પરથી ૪,૫૨,૬૪૪ લાખ મત મળ્યા છે જ્યારે આ બેઠક પરથી તેમના નજીકના હરીફ શિવસેના યુબીટીના ઉમેદવાર અમોલ કીતકરને ૪,૫૨,૫૯૬ મત મળ્યા છે.
મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પર તેમના પ્રતિસ્પર્ધીને માત્ર ૪૮ વોટથી હરાવવાના પ્રશ્ર્ન પર વાઈકરે કહ્યું કે, લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય હોય છે. વાજપેયીજીની સરકાર એક મતથી પડી ગઈ હતી. મેં કહ્યું હતું કે, હું લડીશ અને જીતીશ અને હું જીતી ગયો. મેં મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મેં કહ્યું હતું કે ભગવાન મને જે રીતે આપે છે તે રીતે મારે જીતવું છે. જીતવું હોય તો જીત્યા પછી સારું કામ કરવું પડશે. હવે સારું કામ કરવું પડશે.
મુંબઈની જોગેશ્ર્વરી પૂર્વ બેઠકના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર આ વર્ષની શરૂઆતમાં શિવસેના યુબીટીમાંથી મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા હતા. મુંબઈ નોર્થ વેસ્ટ લોક્સભા સીટ પરથી તેમની ઉમેદવારીની અંતિમ ક્ષણે જાહેરાત કરવામાં આવી હતી. મત ગણતરીના પ્રારંભિક વલણોમાં બંને ઉમેદવારો અલગ-અલગ સમયે આ બેઠક પર આગળ હતા. આ સમયગાળા દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે કીર્તિકર માત્ર એક મતથી આગળ હતા. શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મતગણતરી પ્રક્રિયામાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેમની પાર્ટી પરિણામોને પડકારવાનું વિચારી રહી છે.