- મોદી સામે ૫ વર્ષમાં ૫ મોટા પડકાર, બહુમતી ગુમાવતાં હવે સાથીઓ પર નિર્ભર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ૧૭મી લોક્સભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. વર્તમાન ૧૭મી લોક્સભાનો કાર્યકાળ ૧૬ જૂને પૂરો થઈ રહ્યો હતો. બેઠક બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને લોક્સભાના વિસર્જનની ભલામણ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના અને અન્ય મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા. જેનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકાર કર્યો હતો. રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને આગામી સરકારની રચના સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવવાની પણ અપીલ કરી હતી.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લોક્સભાની ચૂંટણીના પરિણામો અને ભાજપની આગેવાની હેઠળના એનડીએને ગૃહમાં બહુમતી મળ્યા બાદ સરકારની સંભવિત રચનાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સવારે ૧૧.૩૦ વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ હતી. આ બેઠક બાદ મંત્રી પરિષદની બેઠક પણ યોજાઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, ૭ જૂને સંસદીય દળની બેઠક થશે અને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બીજા દિવસે એટલે કે ૮ જૂને થઈ શકે છે.
લોક્સભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને ૫૪૩ લોક્સભા બેઠકોમાંથી ભાજપે ૨૪૦ અને કોંગ્રેસે ૯૯ બેઠકો જીતી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને ૨૯૨ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધનને ૨૩૪ બેઠકો મળી છે. પરિણામોથી સ્પષ્ટ છે કે દેશમાં આગામી સરકાર ગઠબંધનની જ હશે. વડાપ્રધાન મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, પરંતુ આ વખતે ભાજપને સરકાર ચલાવવા માટે સાથી પક્ષોના સમર્થનની જરૂર છે. ખાસ કરીને જેડીયુ અને ટીડીપીનું સમર્થન જરૂરી રહેશે. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. જો કે આ વખતે ભાજપ પાસે બહુમતી નથી. આવી સ્થિતિમાં એનડીએની મદદથી સરકાર બનશે, અને મોટા કોઈ નિર્ણયો લેતા સમયે ભાજપે તેના સાથી પક્ષોનું પણ ધ્યાન રાખવું પડશે. ત્યારે વડાપ્રધાન મોદી સામે આગામી ૫ વર્ષમાં ૫ મોટા પડકારો હશે.જેમાં પહેલો પડકાર પૂર્ણ બહુમતી ન મળતા હવે સાથી પક્ષોને પ્રાથમિક્તા આપવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાના સાથી પક્ષોને એક્સાથે રાખવાનો મોટો પડકાર હશે. હવે સરકારે કાયદા અને બિલમાં પણ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાડુયનું ધ્યાન રાખવું પડશે.
બીજો પડકાર, એક વાત તો સૌ કોઈ જાણે કે છે ભાજપના બંને સાથીદારો નીતિશ અને નાયડુ પ્રાથમિક મુદ્દાઓ પર ક્યારેય એક થયા નથી. બંને નેતાઓ કિંમત વસૂલવામાં માહિર છે. હવે બજેટથી લઈને રાજ્ય સુધી તેઓ મોદી સરકાર પાસેથી કંઈક વધુ અપેક્ષા રાખશે. હવે વિશેષ રાજ્યનો મુદ્દો મોટો બનશે. બંને નેતાઓ પહેલાથી જ બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ રાજ્યની માંગ કરી રહ્યા છે.
ત્રીજો પડકાર ,ભાજપ અને તેમના સાથી પક્ષો વચ્ચે ઘણા મુદ્દાઓ પર વિચારધારામાં તફાવત જોવા મળે છે. હવે આ જ કારણ છે કે મોદી સરકારે કોમન સિવિલ કોડ પર ધીમે ધીમે આગળ વધવું પડી શકે છે. ૩-૬૩ બેઠકોના આ આંચકા બાદ હવે ભાજપે પાર્ટી સંગઠનમાં ફેરફાર અંગે વિચારવું પડશે. આગામી દિવસોમાં પાર્ટી ફરી રી-સ્ટાર્ટના મૂડમાં જોવા મળી શકે છે.ચોથો પડકાર,વડાપ્રધાન મોદીએ તેમના વિજય ભાષણમાં સંકેત આપ્યા હતા કે તેમની સરકાર મોટા નિર્ણયો લેશે. પરંતુ આ ૫ વર્ષ મોદી મેજિકની જે ચમક ઓછી થઈ ગઈ છે તે પણ પાછી લાવવાનો સમય હશે, આ માટે મોદી સરકારે તેની નીતિઓને વધુ મજબૂત કરવી પડશે. પાંચમો પડકાર,આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે ભાજપ પર ત્રણેય રાજ્યોમાં વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. દિલ્હી સિવાય અન્ય બે રાજ્યોમાં લોક્સભા ચૂંટણીના પરિણામોએ પાર્ટીનું ટેન્શન વધાર્યું છે. ભલે દિલ્હીમાં આપનો સફાયો થયો હોય, પરંતુ એ પણ સત્ય છે કે તેણે વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા જોરદાર કમબેક કર્યું છે. આવી સ્થિતિમાં ભાજપે આ તરફ પણ ધ્યાન આપવું પડશે.
૫૪૩ લોક્સભા બેઠકોમાંથી ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને ૨૯૨ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધનને ૨૩૪ બેઠકો મળી છે.