સંજય લીલા ભણશાળીની વેબ સીરીઝ ’હીરા મંડી’ભવ્ય સેટ્સ તથા કોશ્યુમ્સ સહિતના ભપકાને કારણે વખણાઈ છે પરંતુ ધીમી ગતિના કથાપ્રવાહ તથા ઐતિહાસિક છબરડાઓને કારણે વધારે વગોવાઈ પણ છે. જોકે, આ બધી ટીકાઓની પરવા કર્યા વિના સંજય લીલા ભણશાળીએ આ સીરીઝની બીજી સીઝનની જાહેરાત કરી છે.
સંજય લીલા ભણશાળીએ સોશિયલ મીડિયા પર ડાન્સર્સ સમુદ્ર કિનારે ’હીરા મંડી’ના સોંગ પર ડાન્સ કરી રહી હોય તેવો વીડિયો પોસ્ટ કરી બીજી સીઝનની જાહેરાત કરી હતી. સીરીઝના પહેલા ભાગમાં અંગ્રેજો સાથેની લડાઈ તથા નવાબોના બહિષ્કારને કારણે હીરા મંડી પતનના આરે છે તેવી વાર્તા દર્શાવાઈ હતી. બીજા ભાગમાં આ તવાયફો ફિલ્મ લાઈનમાં પહોંચે છે તેવી વાર્તા હોવાનું કહેવાય છે.
બીજા ભાગની કાસ્ટ અંગે પણ અટકળો શરુ થઈ ગઈ છે. આ સીરીઝમાં ગજગામિની ડાન્સ દ્વારા પોપ્યુલર બનેલી અદિતી રાવ હૈદરીના પાત્રને મૃત્યુ પામતું દર્શાવાયું છે. આથી બીજા ભાગમાં તેનો સમાવેશ કરાશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે.
બીજી તરફ અસંખ્ય લોકોએ સંજય લીલા ભણશાળીને તેની ભાણેજ શમન સેગલને બીજા ભાગમાં પડતી મૂકવાની અપીલ કરી છે. પહેલા ભાગમાં આલમના રોલમાં શમની એક્ટિંગ તદ્દન રેઢિયાળ હોવાની ટીકાઓ થઈ છે. આ સીરીઝનું તે સૌથી નબળું પાસું હોવાનું લોકો જણાવી રહ્યા છે.