દાહોદ,
દાહોદ નગરમાં ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ અચૂક મતદાન કરવાનો અનોખી રીતે આપી રહી છે સંદેશો.
એ ચૂંટણી આવી !! તમને તો ખબર જ હશે ને ચૂંટણી આવી. મત આપવો એ આપણો અધિકાર અને ફરજ છે. લોકશાહીના મહાપર્વમાં પ મી ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહીં. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદ આ સંદેશો દરરોજ સવારે દાહોદ નગરના દરેક ઘર સુધી ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ થકી કંઇક અનોખી અને અસરકારક રીતે પહોંચાડી રહી છે. આગામી તા. 5 ડિસેમ્બર સુધી દરેક નગરજનને આ સંદેશો લગભગ ગોખાઇ ગયો હશે એટલી ચોટદાર રીતે તેનું પ્રત્યાયન કરાયું છે.
દાહોદ નગરમાં ઘરે ઘરે પહોંચીને કચરો એકઠો કરવાની કામગીરી કરતી ગાડીઓ સ્વચ્છતાના સંદેશાની સાથે અત્યારે મતદાન કરવાનો સંદેશો પણ આપી રહી છે. નગરને સ્વચ્છ રાખવા માટે સ્માર્ટ સીટીની આ ગાડીઓ દરેક ઘરે પહોંચે છે. ત્યારે દરેક મતદાતા સુધી લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા માટેનો સંદેશો ખૂબ સરસ રીતે પહોંચી રહ્યો છે.
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઇ છે. ત્યારે જિલ્લામાં આગામી તા. 5 ડિસેમ્બરે નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. દાહોદ નગરમાં પણ મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સવારમાં વહેલા કચરો લેવા આવતી ગાડીઓમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીનો સંદેશો દાહોદ નગરના દરેક મતદાતા સુધી પહોંચાડી રહી છે. જે મતદાનના દિવસ સુધી નગરના દરેક મતદાતાને પોતાની ફરજની યાદ અપાવશે.