લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો જેમ-જેમ જાહેર થઇ રહ્યાં છે તેમ-તેમ પાકિસ્તાનની ચિંતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિવિધ એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભાજપ ફરી એક વખત જંગી બહુમતી સાથે સત્તામાં આવશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે. પાકિસ્તાનમાં પણ લોક્સભા ચૂંટણી અને એક્ઝિટ પોલના પરિણામોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઈજાઝ અહેમદ ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો આ વખતે પીએમ મોદી પ્રચંડ બહુમતી સાથે વડાપ્રધાન બને છે અને એનડીએ ગઠબંધનને સંસદમાં બે તૃતિયાંશ બેઠકો મળે છે તો ભાજપને સંસદમાં બંધારણ સુધારો કરવાની સત્તા મળશે. તેમનું કહેવું છે કે જેવી ભાજપને આ તાકાત મળશે, તે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું શરૂ કરશે.
કોઈપણ પક્ષને લોક્સભામાં બહુમતી મેળવવા માટે ૫૪૩માંથી ૨૭૨ બેઠકો મેળવવી જરૂરી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ૩૬૧-૪૦૧ સીટો મળવાનો અંદાજ છે. અન્ય ઘણા એક્ઝિટ પોલમાં પણ ભાજપને ૩૫૦થી વધુ બેઠકો મળતી જોવા મળી રહી છે.
ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણીને લઈને પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઈજાઝ ચૌધરીએ જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં જે પણ કહે છે તે સત્તામાં આવ્યા બાદ તેને પૂર્ણ કરે છે. ’અમે અત્યાર સુધી જે જોયું છે… મોદી સાહેબે ચૂંટણી પ્રચારમાં જે પણ કહ્યું, તેમણે તેને પોતાની પ્રાથમિક્તા બનાવી અને તેનો અમલ કર્યો. તેમણે ૨૦૧૯ની ચૂંટણીમાં કલમ ૩૭૦નો ઉલ્લેખ કર્યો હતો અને સત્તામાં આવ્યા બાદ તરત જ તેને લાગુ કરી દીધો હતો. મને લાગે છે કે આ વખતે તેમની સૌથી મોટી પ્રાથમિક્તા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની છે. આ માટે તેણે ઘણું કામ શરૂ કરી દીધું છે.
એજાઝ ચૌધરીએ આગળ કહ્યું, ’સારું, પાકિસ્તાનમાં કોઈને આની સામે કોઈ વાંધો નહીં હોય… જો ત્યાં હિન્દુઓ બહુમતીમાં હોય તો હિન્દુ રાષ્ટ્ર બનાવો… તેનાથી અમને શું ફરક પડે છે. પરંતુ તેઓ પહેલાથી જ મુસ્લિમો અને અન્ય ધર્મના લોકો માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા હતા, તેઓ હિન્દુ રાષ્ટ્ર પછી વધુ સમસ્યાઓ ઉભી કરશે. તેમનું કહેવું છે કે પીએમ મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન જે કહે છે તે કરે છે અને લોકોએ એ ન સમજવું જોઈએ કે હિંદુ રાષ્ટ્રની વાત માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી છે પરંતુ બહુમત મળ્યા બાદ તેનો અમલ પણ કરવામાં આવશે.