જૂન ૨૦૧૩ની વાત છે, જ્યારે ગોવામાં ભાજપની કાર્યકારિણી બેઠક ચાલી રહી હતી. તે સમયે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાની વાત કરી હતી. આ જાહેરાત બાદ નરેન્દ્ર મોદીએ ત્યારે ટ્વિટર પર લખ્યું- વરિષ્ઠ નેતાઓએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમે કોંગ્રેસ મુક્ત ભારત નિર્માણ બનાવવામાં કોઈ ક્સર છોડીશું નહીં. તમારા સમર્થન અને આશીર્વાદ માટે આભાર. પોતાના ભાષણમાં મોદીએ તે સમયે કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભારત આપણું સપનું હોવું જોઈએ. આ વાતને ૧૧ વર્ષ થઈ ગયા છે. પીએમ મોદી ત્રીજીવાર સત્તામાં આવી શકે છે, પરંતુ તેમનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું અધુરૂ રહી ગયું.
૨૦૧૪ની લોક્સભા ચૂંટણીના પરિણામમાં ભાજપને ૨૮૨ સીટો મળી હતી. મોદીની તે સમયે લહેર હતી. તે આંધીમાં કોંગ્રેસ પાર્ટી ૪૪ સીટો પર સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસે પ્રથમવાર વિપક્ષી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો હતો. આ પહેલા ૨૦૦૯ની લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૦૬ સીટો જીતી સહયોગીઓ સાથે મળી સરકાર બનાવી હતી.
૨૦૧૯ની લોક્સભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ ખુબ રેલીઓ અને ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પરિવારવાદ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં ભારત કોંગ્રેસ મુક્ત ન થઈ શક્યું. આ ચૂંટણીમાં ભાજપે જોરદાર જીત મેળવતા ૩૦૩ સીટ જીતી તો કોંગ્રેસે ૨૦૧૪ની ચૂંટણીના મુકાબલે વધારો કરતા ૫૨ સીટ જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખુબ મહેનત કરી, પરંતુ તે વધુ સીટો ન મેળવી શક્યા.
૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ટ્રેન્ડ સામે આવી રહ્યાં છે. આ ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી ૧૦૦ સીટ પાર કરી રહી છે. પીએમ મોદીએ રેલીઓમાં કોંગ્રેસ પર ખુબ પ્રહારો કર્યાં હતા. કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવવામાં આવ્યો. તેમ છતાં કોંગ્રેસ પર મતદાતાઓનો વિશ્વાસ વધ્યો છે.
એક્ઝિટ પોલ્સમાં કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકાર બનાવી રહ્યાં છે. ૧૩ એક્ઝિટ પોલ ઓફ પોલ્સમાં એનડીએને ૩૬૫ અને ઈન્ડિયાને ૧૬૫ સીટ આવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. પોલ્સમાં આ વખતે કહેવામાં આવ્યું કે ભાજપ ૨૦૧૯ની ૩૦૩ સીટો કરતા વધુ સીટો મેળવી શકે છે. હકીક્તમાં ભાજપ એકલું બહુમત પણ પાર કરી શક્તું નથી.