એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને મોટો ફટકો,જામીન અરજી પર હજુ સુનાવણી થઈ નથી

આમ આદમી પાર્ટી (આપ)ના નેતા મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સીબીઆઇ દ્વારા નોંધાયેલા કેસમાં દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સીબીઆઇ ચાર્જશીટ દાખલ કર્યા પછી સિસોદિયા ફરીથી જામીન માટે અરજી કરી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ ઈડી અને સીબીઆઇ તરફથી હાજર થયા હતા. તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓ ૩ જુલાઈ સુધીમાં ચાર્જશીટ દાખલ કરશે.

સિસોદિયા વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટ પાસે જામીનની માંગ કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા ૧૫ મહિનાથી કસ્ટડીમાં છે અને હજુ સુધી આ કેસમાં કોઈ સુનાવણી થઈ નથી. જો કે, કોર્ટે કહ્યું કે સિસોદિયાની જામીન અરજી પર અત્યારે સુનાવણી થઈ શકે નહીં.

૧૭ નવેમ્બર ૨૦૨૧ ના ??રોજ, દિલ્હી સરકારે રાજ્યમાં નવી આબકારી નીતિ લાગુ કરી. આ અંતર્ગત રાજધાનીમાં ૩૨ ઝોન બનાવવામાં આવ્યા હતા અને દરેક ઝોનમાં વધુમાં વધુ ૨૭ દુકાનો ખોલવાની હતી. આ રીતે કુલ ૮૪૯ દુકાનો ખોલવાની હતી. નવી એક્સાઇઝ પોલિસીમાં દિલ્હીની તમામ દારૂની દુકાનોને ખાનગી બનાવી દેવામાં આવી છે. આ પહેલા દિલ્હીમાં દારૂની ૬૦ ટકા દુકાનો સરકારી અને ૪૦ ટકા ખાનગી હતી. નવી નીતિના અમલ પછી, તે ૧૦૦ ટકા ખાનગી થઈ ગઈ. સરકારે દલીલ કરી હતી કે આનાથી રૂ. ૩,૫૦૦ કરોડનો ફાયદો થશે.

સરકારે લાઇસન્સ ફીમાં પણ અનેક ગણો વધારો કર્યો છે. એલ-૧ લાયસન્સ માટે, જેના માટે અગાઉ કોન્ટ્રાક્ટરોએ રૂ. ૨૫ લાખ ચૂકવવાના હતા, નવી એક્સાઇઝ પોલિસીના અમલ પછી, કોન્ટ્રાક્ટરોએ રૂ. ૫ કરોડ ચૂકવવાના હતા. તેવી જ રીતે, અન્ય કેટેગરીમાં પણ લાઇસન્સ ફીમાં નોંધપાત્ર વધારો થયો છે.