ઇન્ડિયા ગઠબંધન આ ચૂંટણી માત્ર ભાજપ સામે જ નહીં પરંતુ ઈડી અને સીબીઆઇ સામે પણ લડ્યું, રાહુલ ગાંધી

  • આ જનતાની જીત છે, આ લોકશાહીની જીત છે.: કોંગ્રેસ અધ્યક્ષ

કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે આ જનતાની જીત છે, આ લોકશાહીની જીત છે. આ પીએમ નરેન્દ્ર મોદીની નૈતિક હાર છે.ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધીની બંને મુલાકાતોની અસર પડી છે અને તેથી જ ઇન્ડિયા ગઠબંધન આટલી બધી બેઠકો જીતી રહ્યું છે. તેમણે કહ્યું કે આ જનતાની જીત છે અને જનતાના અભિપ્રાયને નમ્રતાથી સ્વીકારે છે. જનતાએ કોઈ એક પક્ષને બહુમતી આપી નથી.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદી માટે આ રાજકીય અને નૈતિક હાર છે, તેમને નૈતિક દૃષ્ટિકોણથી મોટું નુક્સાન થયું છે. ઇન્ડિયા ગઠબંધન પ્રતિકૂળ વાતાવરણમાં ચૂંટણી લડ્યું હતું. કોંગ્રેસની ઝુંબેશ શરૂઆતથી અંત સુધી સકારાત્મક રહી હતી.અમારી વિરુદ્ધ અનેક ઝુંબેશ ચલાવવામાં આવી. અમે મોંઘવારી, બેરોજગારી અને કામદારોની દુર્દશાને મુદ્દો બનાવ્યો છે. આ મુદ્દાઓ પર લોકો અમારી સાથે જોડાયા અને અમને ટેકો આપ્યો. કોંગ્રેસના ઢંઢેરામાં ફેલાયેલા જુઠ્ઠાણા પણ જનતા સમજી ગઈ. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સફળ રહી.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે પ્રજાએ કોઈ પક્ષને બહુમતી નથી આપી. આ લડાઈ પ્રજા વિરુદ્ધ મોદી હતી. પીએમ મોદીએ અમારી વિરુદ્ધ જે જુઠ્ઠાણાં ફેલાવ્યાં તે પ્રજાએ નકારી કાઢ્યાં. અમારું અભિયાન સકારાત્મક હતું. અમે લોકોના મુદ્દા ઊઠાવ્યાં. બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર આ ચૂંટણી લડી. આ પીએમ મોદીનો નૈતિક પરાજય છે. અમે જનમતનો સ્વીકાર કરીએ છીએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન આ ચૂંટણી માત્ર ભાજપ વિરુદ્ધ જ નહીં પરંતુ ઈડી અને સીબીઆઇ જેવી સંસ્થાઓ સામે પણ લડ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ બંધારણને બચાવવાની છે. જ્યારે તેઓએ અમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું. પક્ષો તોડી નાખ્યા. બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તમામ ગઠબંધન ભાગીદારોનું સન્માન કર્યું. કોંગ્રેસ પાર્ટીએ ભારતને એક નવું વિઝન આપ્યું છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ફરી એકવાર અદાણીનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તમે પણ જોયું હશે કે જેવા જ ભાજપના હારવાના અહેવાલ આવ્યા કે અદાણીના શેરોમાં પણ મોટો કડાકો આવ્યો. તમને આ લિંક સમજાઈ જવી જોઈએ. હવે લોકો આ વાતને સમજવા લાગ્યા છે કે મોદી ગયા તો અદાણી ગયા. સરકાર બનાવવાના સવાલ પર રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અમે ઈનકાર નથી કરી રહ્યાં, આવતીકાલે અમારા ગઠબંધનના સાથીઓ સાથે ચર્ચા કરીને આ મુદ્દે જવાબ આપીશું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરિણામો બાદ પત્રકારોને સંબોધતાં કહ્યું કે આ લડાઈ અમારી અને ભાજપ વચ્ચે કે પીએમ મોદી વિરુદ્ધ નહોતી પરંતુ અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી અને આ લડાઈમાં અમારો સાથ આપવા બદલ હું દરેક નાગરિકો, મતદારો, અમારા ગઠબંધનના સાથીઓ બધાને શુભેચ્છા પાઠવવા માગુ છું. અમારા ઇન્ડિયા ગઠબંધને જ્યાં પણ ચૂંટણી લડી ત્યાં એકજૂટ થઇને લડ્યાં. કોંગ્રેસે દેશને નવું વિઝન આપી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ ભાજપ, ઈડી, સીબીઆઈ વિરુદ્ધ પણ હતી. તે ખોટી રીતે વિપક્ષને દબાવી રહ્યા હતા. આ લોક્તંત્રની જીત છે, લોકોએ ભાજપના અભિમાનને તોડી નાખ્યો. કરોડો કાર્યકરોનો આભાર.ઇન્ડિયા ગઠબંધનના સાથીઓનો પણ આભાર. આ મેન્ડેટ પીએમ મોદીના વિરોધમાં છે.

મમતા બેનરજીએ કહ્યું કે આ અત્યાચારનો પરાજય થયો છે. પીએમ મોદી પોતાના જોરે ભાજપને બહુમતી ના અપાવી શક્યા. પીએમ મોદીની વિશ્વસનીયતા હવે ઘટી ગઇ છે. ભાજપે બંધારણીય સંસ્થાનોની આઝાદી છીનવી લીધી હતી. અમને અનેક વાર ઓછા આંકવામાં આવી રહ્યા હતા.તેમણે કહ્યું કે મોદીએ નૈતિકતાના આધારે રાજીનામુ આપી દેવું જોઇએ