ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ૬.૯૭ લાખ મતોથી જીત

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે.ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે.આ બેઠક પર અમિત શાહે ૬.૯૭ લાખ મતોની વધુની લીડ હાંસલ કરી છે. આ બેઠક ભાજપ માટે ગઢ ગણવામાં આવી રહ્યો છે.

૨૦૧૯ લોક્સભા ચૂંટણીમાં પણ આ બેઠક પરથી કોંગ્રેસના સીજે ચાવડા સામે અમિત શાહે ચૂંટણી લડી હતી, જેમાં તેમને ૪૩.૩૮% એટલે કે ૫,૫૭,૦૧૪ ની લીડથી જીત મેળવી હતી. હાલ આ ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ રમણભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરીના શરૂઆતના વલણોમાં જ અમિત શાહ આગળ જોવા મળી રહ્યા હતાં ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી ૨૦૧૪માં લાલકૃષ્ણ અડવાણી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. જેમને ૪,૮૩,૧૨૧ મતોની લીડ સાથે ભવ્ય જીત મળી હતી.

ગાંધીનગર લોક્સભા બેઠક પર કુલ ૨૧.૮૨ લાખ મતદારો છે. ગાંધીનગર લોક્સભા મતવિસ્તારમાં સામેલ સાત વિધાનસભા મતવિસ્તારો પૈકી કલોલમાં ૬૫.૦૯ ટકા, સાણંદમાં ૬૪.૭૬ ટકા, ઘાટલોડિયામાં ૬૧.૬૮ ટકા, વેજલપુરમાં ૫૬.૮૯ ટકા, નારણપુરામાં ૫૫.૭૫ ટકા, ગાંધીનગરમાં ૫૬.૭૫ ટકા અને સાબરમતીમાં ૫૬.૭૫ ટકા મતદાન થયું હતું.ગત ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે ગાંધીનગરમાં મતદાનની ટકાવારી ૫.૮ ટકા ઘટાડો નોંધાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સરખામણીમાં સોનલ પટેલને પ્રમાણમાં નબળા ઉમેદવાર માનવામાં આવતા હતાં

લોક્સભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસે ગાંધીનગરથી સીજે ચાવડાને ટિકિટ આપી હતી. સીજે ચાવડાએ લોક્સભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. સોનલ પટેલ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તરીકે કામ કરી રહી છે. આ સિવાય સોનલ પટેલ હાલ મહારાષ્ટ્રના સહ-ઈન્ચાર્જની જવાબદારી સંભાળી રહી છે.