માલદીવ સરકારે પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને ઈઝરાયેલના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે માલદીવ સરકારે મોટો નિર્ણય લીધો છે. માલદીવ સરકારે પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને ઈઝરાયેલના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય બાદ હવે ઈઝરાયેલના નાગરિકો માલદીવ જઈ શકશે નહીં.

ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. માલદીવના ગૃહમંત્રીએ ઈમરજન્સી પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આજે કેબિનેટે માલદીવમાં ઈઝરાયેલના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદામાં જરૂરી ફેરફારો કર્યા છે. કેબિનેટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મંત્રીઓની વિશેષ સમિતિની રચના કરી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે ૧૦ લાખથી વધુ પ્રવાસીઓ માલદીવની મુલાકાત લે છે.

માલદીવ સરકારે ફંડ એકત્ર કરવા અને પેલેસ્ટિનિયન નાગરિકોને સમર્થન આપવા માટે મુસ્લિમ દેશો સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએનઆરડબ્લ્યુએ દ્વારા પેલેસ્ટિનિયન નાગરિકો માટે ભંડોળ એકત્ર કરવામાં આવશે. આ સાથે કેબિનેટે એવા વિસ્તારોની ઓળખ કરવા માટે એક વિશેષ દૂતની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે જ્યાં પેલેસ્ટાઈનને માલદીવની મદદની સખત જરૂર છે.

આ પહેલા ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયલને રફાહ શહેર પર હુમલા રોકવા માટે કહ્યું હતું, પરંતુ તેમ છતાં મંગળવારે પહેલીવાર ઈઝરાયેલની સેનાની ટેક્ધો રફાહમાં પ્રવેશી હતી. હમાસ સાથેના યુદ્ધના સાત મહિના પછી ઑક્ટોબર ૨૦૧૬માં ઇઝરાયેલી સેનાએ રફાહમાં ઑપરેશન શરૂ કર્યું હતું. ૨૭ મેના રોજ ઇઝરાયેલે રફાહમાં રાહત શિબિરમાં બોમ્બમારો કર્યો હતો. હમાસે આ હુમલામાં ૪૫ નાગરિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. વિશ્ર્વભરમાં આ હુમલાની ટીકા થઈ ત્યારે બેન્જામિન નેતન્યાહુએ તેને દુ:ખદ અકસ્માત ગણાવ્યો.

જો કે, આ હુમલા પછી તરત જ,આઇડીએફએ દાવો કર્યો હતો કે તેઓએ હમાસના અડ્ડાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં,આઇડીએફએ હમાસના બે ટોચના કમાન્ડર – યાસીન રાબિયા અને ખાલેદ નજ્જરને માર્યા હોવાનો દાવો કર્યો હતો.

ગયા વર્ષે ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડ્યા હતા. આ સાથે હમાસના લડવૈયાઓએ દક્ષિણ ઈઝરાયેલમાં ઘૂસીને લગભગ ૨૫૦ લોકોને બંધક બનાવ્યા હતા. હમાસના આ હુમલામાં લગભગ ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે યુદ્ધ શરૂ કર્યું. થોડા મહિના પહેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારમાં ઘણા બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ ડઝનબંધ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં લગભગ આઠ મહિનામાં ૩૭ હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે લાખો લોકો શરણાર્થીઓની જેમ જીવવા મજબૂર છે અને રાહત શિબિરોમાં જીવી રહ્યા છે.