કાલાવડ-જામનગર હાઈવે પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

કાલાવડ- જામનગર હાઇવે પર હિરપરા કન્યા છાત્રાલયના ગેઇટ પાસે વાવડી તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલા એક બાઇકના ચાલકે કાલાવડ તરફથી આવી રહેલા અન્ય એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકનું આંતરિક ઇજાઓથી મૃત્યુ થયું હતું, જયારે અન્ય એક બાઈક ચાલકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતના બનાવ ની વિગત એવી છે કે કાલાવડમાં રહેતો પ્રવીણ અમરશીભાઈ વાસુ નામનો ૩૨ વર્ષનો યુવાન ગઈકાલે મોડી રાત્રે ૨ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન સામેથી આવી રહેલા કાલાવડના વતની જયંતીભાઈ વશરામભાઈ ચૌહાણ (૨૨વર્ષ) ને ટક્કર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બંને બાઇક ચાલક એટલા જોરથી અથડાયા હતા, કે બન્નેના બાઇક નો ભૂકો બોલી ગયો હતો. તેમજ બને બાઇક એટલી સ્પીડમાં અથડાયા કે આજુબાજુના વિસ્તારમાં ધડાકા ભેર અવાજ સંભળાયો હતો.

આ અકસ્માતમાં એક બાઇક ચાલક પ્રવીણભાઈ વાસુને માથા ના ભાગે ગંભીર ઈજા થઈ હતી, અને માથાના ભાગમાંથી લોહી નીકળી ગયું હતું, જેથી લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું.બન્ને બાઇક ચાલકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હોવાથી ઇજાગ્રસ્તોને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ દ્વારા કાલાવડ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને ની હાલત ગંભીર હોવાથી તેને જામનગર ની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા જી જી હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા એક બાઇકના ચાલક પ્રવીણ અમરસીભાઈ વાસુ ને મૃત જાહેર કર્યો હતો, બીજો બાઇક ચાલક જેન્તીભાઈ ચૌહાણ કે જેને હોવાથી તેની હાલત ગંભીર હોવાનું જાહેર થયું છે. આ બનાવ ની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, તેમજ આગળ ની તપાસ હાથ ધરી છે.