ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ આ દિવસોમાં ભારે ગરમીની ઝપેટમાં છે. જો કે, આ દરમિયાન હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે.આઇએમડી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૧૫ જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે. ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા છે.
દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું ૩૦ મેના રોજ નિર્ધારિત સમય પહેલા કેરળ પહોંચી ગયું હતું. તે જ સમયે, અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, ૧૫ જૂન સુધીમાં મયપ્રદેશ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં ગાંધીનગરમાં દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં આખું સપ્તાહ આકરી ગરમી યથાવત રહેશે.આઇએમડીના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં ગાંધીનગરનું મહત્તમ તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૮ થી ૨૯ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં આ દિવસોમાં ખૂબ જ ગરમી છે અને દિવસનું તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આ સપ્તાહ દરમિયાન આકરી ગરમી યથાવત રહેવાની સંભાવના છે.આઇએમડી અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૮ થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનના અંત સુધીમાં દિલ્હીમાં ચોમાસું આવી શકે છે. જ્યારે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં, ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૧૦ થી ૧૫ જૂનની વચ્ચે છે. આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય પહેલા દેશમાં પ્રવેશ્યું છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસું તેના નિર્ધારિત સમય પહેલા અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે.