જનતા પર મોંઘવારીનો ડબલ એટેક! અમૂલ બાદ હવે મધર ડેરીએ દૂધમાં ભાવ વધારો કર્યો

રવિવારે અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. આ નવી કિંમત આજથી સમગ્ર દેશમાં લાગૂ પડી છેે. અમૂલનાં આ નિર્ણયન બાદ સોમવારે મધર ડેરીએ દૂધનાં ભાવમાં વધારો કર્યો હતો. હાલમાં કીમતમાં વધારો માત્ર દિલ્લી-એનસીઆરમાં જ કરવામાં આવ્યો છે. અમૂલની જેમ મધર ડેરીની કિંમતમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. મધર ડેરીએ કહ્યું કે ૩ જૂન ૨૦૨૪ થી બજારમાં પ્રવાહી દૂધની કિંમતમાં પ્રતિ લીટરે ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ હવે દિલ્હી-એનસીઆરમાં ૬૮ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ થશે. ટોન્ડ દૂધની કિંમત ૫૬ રૂપિયા પ્રતિ લિટર હશે. જ્યારે ડબલ ટોન્ડ દૂધ ૫૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. ભેંસનું દૂધ ૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ગાયનું દૂધ ૫૮ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. તમામ પ્રકારના દૂધના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લોક્સભા ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા મધર ડેરીએ આ નિર્ણય લીધો છે.

મધર ડેરીએ પણ ટોકન મિલ્કના દરમાં વધારો કર્યો છે. હવે નવી કિંમત ૫૪ રૂપિયા પ્રતિ લિટર છે. ગઈકાલ (રવિવાર) સુધી આ દૂધ ૫૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું. ભાવ વધારાના નિર્ણય અંગે મધર ડેરીએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાક મહિનાઓથી ઊંચા ભાવે દૂધ ખરીદતી હતી પરંતુ લોકો માટે જૂનો દર યથાવત રાખવામાં આવ્યો હતો. ગરમીના કારણે દૂધ ઉત્પાદન પર પણ અસર પડી છે અને ભવિષ્યમાં પણ આવું થવાની શક્યતા છે.

મધર ડેરી હાલમાં દિલ્હી-એનસીઆરમાં દરરોજ ૩૫ લાખ લિટર તાજા દૂધનું વેચાણ કરે છે. તેણે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં તેના પ્રવાહી દૂધના ભાવમાં ફેરફાર કર્યો હતો. મધર ડેરીના જણાવ્યા અનુસાર, તે દૂધના વેચાણમાંથી થતી આવકના ૭૫-૮૦ ટકા હિસ્સો પ્રાપ્તિમાં ખર્ચે છે. આ ’ડેરી ફામગ’ની ટકાઉપણું અને ગુણવત્તાયુક્ત દૂધની ઉપલબ્ધતાને સુનિશ્ર્ચિત કરવામાં મદદ કરે છે.

જે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે, તેણે રવિવારે સમગ્ર દેશમાં દૂધના ભાવમાં લગભગ રૂ. ૨નો વધારો કર્યો હતો. વધેલી કિંમતો સોમવારથી લાગુ થઈ ગઈ છે.જીસીએમએમએફએ રવિવારે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિ લિટર રૂ. ૨નો વધારો મહત્તમ છૂટક ભાવમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરશે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઘણો ઓછો છે.