શ્રીલંકામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી વિનાશ, ૧૦ના મોત

શ્રીલંકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે ૪૦૦ મકાનોને નુક્સાન થયું છે.શ્રીલંકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે સોમવારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. પૂર અને વરસાદ સંબંધિત અન્ય ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ગુમ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે શાળાઓ ફરીથી ખોલવા અંગેનો નિર્ણય હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.

દેશમાં રવિવારથી મુશળધાર વરસાદે ઘણા સ્થળોએ મોટા પાયે વિનાશ સર્જ્યો છે, જેના પરિણામે ઘરો, ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને સત્તાવાળાઓને સાવચેતીના પગલા તરીકે વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા અનુસાર, રવિવારે રાજધાની કોલંબો અને દૂરના રતનપુરા જિલ્લામાં છ લોકો ધોવાઈ જવાથી અને ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોએ તેમના ઘરો પર પહાડોમાંથી કાદવ પડતાં પોતાના જીવ ગુમાવ્યા હતા. ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. રવિવારથી છ લોકો ગુમ છે.

સોમવાર સુધીમાં, ૫,૦૦૦ થી વધુ લોકોને સ્થળાંતર કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા છે અને ૪૦૦ મકાનોને નુક્સાન થયું છે, કેન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું. પીડિતોને બચાવવા અને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે નેવલ અને આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મેના મધ્યમાં ભારે ચોમાસાનો વરસાદ થયો ત્યારથી શ્રીલંકામાં હવામાન પ્રતિકૂળ રહ્યું છે. અગાઉ ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે નવ લોકોના મોત થયા હતા.