પીવાના પાણી માટે દાહોદ નુ નગર પાલીકા અને વહીવટી તંત્ર વામળું પુરવાર

  • સમસ્યા સાંભળવાની પોતાની જવાબદારી હોવા છતાં પાણીના મામલે પ્રજાને વાહિયાત અને બે જવાબદારી ભર્યો જવાબ આપી અધિકારીઓના માથે ઠીકરૂં ફોડતા દાહોદ પાલિકાના કાઉન્સિલર.

આકરા ઉનાળામાં દાહોદ શહેરમાં ઠેર ઠેર પાણીના પોકારો પડી રહ્યા છે. પાણી માટે પોતે ચૂંટીને મોકલેલા સુધરાઈ સભ્યોના વાહિયાત અને બેજવાબદારી ભર્યા જવાબો સાંભળી દાહોદની જનતા તોબા પોકારી ગઈ છે. તેમાંય વળી વોર્ડ નંબર નવના એક સુધરાઈ સભ્યએ તો, ” પાલિકાના કોઈ અધિકારીઓ અમારૂં સાંભળતા જ નથી” તેવો ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી પલ્લુ ઝાડી જવાબદારીની ગોદડી અધિકારીઓના માથે ઓઢાડવાની ચેષ્ટા કરતા જોવા મળી રહ્યા છે. આમ પણ દાહોદ પાલિકામાં સુધરાઈ સદસ્યોમાં કોઈને કોઈ કારણસર ચાલી રહેલી આંતરિક ખેંચતાણને કારણે મોટાભાગના કાઉન્સિલરો પાલિકામાં નિયમિતપણે આવવાનું ટાળી રહ્યા હોવાનું શહેરભરમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

દાહોદવાસીઓના સદ્દનસીબે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અથાગ પ્રયાસો થકી દાહોદ શહેરને બબ્બે ડેમોના પાણી ફાળવવામાં આવ્યા છે. પરંતુ દાહોદ વાસીઓની કરમની કઠણાઈએ કડાણા ડેમ નું પાણી દાહોદ સુધી લાવવામાં અનેક વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોવાને કારણે તેમજ છાશવારે ટેકનિકલ ક્ષતિઓ ઊભી થવાને કારણે દાહોદમાં અવારનવાર પાણીનું સંકટ ઊભું થતું જોવા મળી રહ્યું છે. કડાણા ડેમનું પાણી દાહોદમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી પાણીનો જરૂર મુજબનો સંતોષકારક જથ્થો દાહોદ સુધી આવતો ન હોવાને કારણે દાહોદ વાસીઓ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દાહોદ શહેર કુલ 9 વોર્ડમાં વહેંચાયેલું છે. અને દરેક વોર્ડમાં ચાર કાઉન્સિલરો છે. આમ દાહોદ નગરપાલિકામાં નવ વોર્ડમાં કુલ 36 કાઉન્સિલરો છે. અને પોતાના વોર્ડની જનતાની સમસ્યા સાંભળી તેનો સત્વરે નિકાલ લાવવાનું દરેક કાઉન્સિલરોની ફરજમાં આવે છે. આ 36 કાઉન્સિલરો પૈકી આંગળીના વેઢે ગણાય તેના કરતાં પણ ઓછા કાઉન્સિલરો હાલ નૈતિકતાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. દાહોદના વોર્ડ નંબર નવના એક કાઉન્સિલરનો તેમના જ વોર્ડના એક જાગૃત નાગરિકે મોબાઈલ ફોનથી સંપર્ક કરી પાણીની સમસ્યા બાબતે ફરિયાદ કરતા આ કાઉન્સિલરે, ” નગરપાલિકાના અધિકારીઓ અમારૂં સાંભળતા જ નથી. અને કડાણાથી જ પૂરતું પાણી નથી આવતું તો કેવી રીતે પાણી આપીએ? તેવો બેજવાબદારી ભર્યો વાહિયાત જવાબ આપી પોતાનો બળાપો કાઢી પોતાની જવાબદારીની ગોદડી અધિકારીઓના માથે ઓઢાડવાની ચેષ્ટા કરી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા છે. જે કાઉન્સિલરનું અધિકારીઓ સાંભળતા ન હોય તો તે કાઉન્સિલરે પોતાના પદ પરથી રાજીનામું મૂકી અન્યને તક આપવી જોઈએ તેઓ સમયનો તકાજો છે.