દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણા કાળનો કોળિયો બન્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ પાંચવાડા ગામે પીએચસી સામે પસાર થતા રોડ પર ગતરોજ સવારે દસેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ફોર વીલ ગાડીનો ચાલક તેના કબજાની એમપી પાર્સિંગની ઈક્કો ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દાહોદના હિરલભાઈ જયંતીભાઈ ધાનકાની મોટરસાયકલને સામેથી જોશભેર ટક્કર મારી દેતા મોટર સાયકલ પર પાછળ બેઠેલ હિરલભાઈ ધાનકાની માતા મોટરસાયકલ પરથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્િ ટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધે ગરબાડા પોલીસે મધ્યપ્રદેશ પાર્સિંગની ઈક્કો ગાડીના ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ગરબાડા તાલુકામાં ગમખ્વાર અકસ્માત નો બીજો બનાવ અભલોડ ગામે ઉમરીયા ફળિયામાં દાહોદ જતા રોડ પર ગત રાતે આઠેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક અજાણ્યા ફોરવીલ ગાડીના ચાલકે તેના કબજાની ફોરવીલ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી ગડોઇ ગામના રેલ ફળિયાના 38 વર્ષીય રતનભાઇ જહુભાઈ હઠીલાની મોટરસાયકલને જોશભેર ટક્કર મારી પોતાની ફોરવીલ ગાડી લઈને નાસી ગયો હતો. જેથી મોટરસાયકલ ચાલક રતનાભાઇ હઠીલાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થવા પામી હતી. તેમજ મોટર સાયકલ પર પાછળ બેઠેલ વસનભાઈનો જમણો હાથ ભાંગી ગયો હતો.તથા શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જેસાવાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 38 વર્ષીય રતનભાઇ જહુભાઈ હઠીલાનુ મોત નીપજ્યું હતું. આ સંબંધે જેસાવાડા પોલીસે અજાણ્યા ફોરવીલ ગાડીના ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.