યુક્રેન અને રશિયાએ યુદ્ધમાં પકડાયેલા એકબીજાના ૭૫-૭૫ સૈનિકોની આપ-લે કરી

યુક્રેન અને રશિયાએ શુક્રવારે યુદ્ધમાં પકડાયેલા એકબીજાના ૭૫-૭૫ સૈનિકોની આપ-લે કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. છેલ્લા ત્રણ મહિનામાં બંને દેશો વચ્ચે યુદ્ધ કેદીઓની આ પ્રથમ અદલાબદલી છે. ચાર યુક્રેનિયન નાગરિકો સહિત યુદ્ધના કેદીઓને ઘણી બસોમાં ઉત્તરી સુમી પ્રદેશમાં લઈ જવામાં આવ્યા હતા.

બસમાંથી ઉતરતાની સાથે જ તેઓ આનંદથી બૂમો પાડવા લાગ્યા અને તેમના પરિવારજનોને ફોન કરીને તેમના વતન પરત ફરવાની જાણ કરી. કેટલાક લોકો ઘૂંટણિયે પડીને જમીન પર ચુંબન કરવા લાગ્યા, જ્યારે ઘણા લોકો પીળા અને વાદળી ઝંડામાં લપેટાઈને એકબીજાને ગળે લગાડી રડવા લાગ્યા. અધિકારીઓએ જણાવ્યું કે યુદ્ધ કેદીઓની આપ-લેના થોડા સમય પહેલા બંને પક્ષોએ તે જ સ્થળે સૈનિકોના મૃતદેહો એકબીજાને સોંપ્યા હતા.

આ વર્ષે આ ચોથી વખત છે અને ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ૫૨મી વખત યુદ્ધ કેદીઓની આપ-લે કરવામાં આવી છે. સંયુક્ત આરબ અમીરાતે કહ્યું કે તેણે આ નવીનતમ વિનિમયની સુવિધા આપી છે. પીઓડબ્લ્યુએસની સારવાર માટે યુક્રેનિયન કોઓડનેશન હેડક્વાર્ટર અનુસાર, કુલ ૩,૨૧૦ યુક્રેનિયન લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો યુદ્ધની શરૂઆતથી દેશમાં પાછા ફર્યા છે.