નાક વડે ટાઇપિંગ કરીને પોતાનો જ રેકૉર્ડ તોડ્યો આ ટાઇપિંગ મૅન ઑફ ઇન્ડિયાએ

આપણે ત્યાં અવારનવાર સ્વમાનને નાક સાથે જોડી દેવામાં આવતું હોય છે, પણ વિનોદકુમાર ચૌધરી નામના ૪૪ વર્ષના ભાઈને નાકને કારણે જ આંતરરાષ્ટ્રીય સ્તરે માન મળ્યું છે. વિનોદકુમારે નાક વડે સૌથી ઝડપથી કમ્પ્યુટરના કી-બોર્ડ પર ટાઇપિંગ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો છે. તેમણે માત્ર ૨૫.૬૬ સેકન્ડમાં અંગ્રેજી આલ્ફાબેટના એથી લઈને ઝેડ સુધીના અક્ષર ટાઇપ કર્યા હતા, એ પણ દરેક અક્ષરની વચ્ચે સ્પેસ સાથે.

રસપ્રદ વાત એ છે કે વિનોદકુમારે આ બીજી વખત પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે. ૨૦૨૩માં તેમણે ૨૭.૮૦ સેકન્ડમાં આલ્ફાબેટ ટાઇપ કરી રેકૉર્ડ સરજ્યો હતો. એ જ વર્ષે તેમણે ૨૬.૭૩ સેક્ધડમાં ફરી પોતાનો રેકૉર્ડ તોડ્યો હતો. હવે ૨૦૨૪માં તેમણે ૨૫.૬૬ સેકન્ડમાં બીજી વાર પોતાનો રેકૉર્ડ તોડ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે વિનોદકુમારના લેટેસ્ટ રેકૉર્ડને માન્યતા આપી છે..