મહિસાગર પેરોલ શાખાએ વડોદરા મધ્યસ્થ જેલના પાકા કામના ફરાર આરોપીને ઝડપ્યો

લુણાવાડા,મહિસાગર પેરોલ ફ્લો શાખાને વડોદરાની મધ્યસ્થ જેલના પાકા કૈદી, આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ આરોપી જેલ માંથી રજા પર ઘરે આવ્યો હતો. જે બાદ તેની રજા પુરી થઈ ગઈ હોવા છતાં તે હાજર ન થયો હતો અને છેલ્લા છ મહિનાથી ફરાર થઈ ગયો હતો. જેને મહિસાગર પેરોલ ફ્લો શાખાએ મહિસાગર સાઇબર ક્રાઇમ શાખાની મદદથી ઇન્સ્ટગ્રામ આઈ.ડી. પરથી ગાંધીનગર ખાતેથી શોધી કાઢ્યો હતો.

મહિસાગર પેરોલ ફ્લો શાખાના પી.એસ.આઈ બી.પી.પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કૈદી પ્રવીણ મથુરભાઈ પગી ઉ.વ. 22 જે મહીસાગર જીલ્લાના વિરપુરના ઘાટડા પગી ફળિયાનો રહેવાસી છે. જે પેરોલ રજા ઉપર આવેલો અને આ કેદીની રજા 23 નવેમ્બર 2023ના રોજ રજા પુરી થતી હતી અને તેને હાજર થવાનું હતું, પરંતુ આ કેદી હાજર થયો ન હતો અને છેલ્લા 6 મહિનાથી ફરાર થઇ ગયો હતો. આ બાબતે વિરપુર પોલીસ સ્ટેશનમાં કેદી અધિનિયમની કલમ 51(1), (બી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

આ આરોપી નાસતો ફરતો હતો. જેની બાતમીદાર પાસેથી પોલીસને બાતમી મળી હતી કે, કેદી આરોપી પ્રવીણ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ચલાવતો હતો. જેથી મહિસાગર સાયબર સેલની મદદથી પેરોલ ફ્લો શાખા દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી મોબાઈલ નંબર મેળવી મોબાઈલ લોકેશન આધારે આરોપીને ગાંધીનગર જીલ્લાના વલાદ ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી હસ્તગત કરી ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી મહીસાગર પેરોલ શાખા તેને લઈ મહિસાગર આવી હતી અને વધુ આગળની કાર્યવાહી માટે તેને વિરપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. આમ, મહિસાગર પેરોલ ફ્લો શાખા દ્વારા છેલ્લા 6 માસથી ફરાર કેદીને ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. વડે શોધી કાઢવામાં આવ્યો હતો.