મુંબઇ,
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ટીમ ઈન્ડિયાનું કોઈ એવું ખાસ પ્રદર્શન નથી રહ્યું અને સેમિફાઇનલમાં પંહોચીને ખૂબ કારમી હાર સાથે ટીમ ઈન્ડિયા બહાર ફેંકાઇ હતી. આ હાર બાદ આવનાર દિવસોમાં ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારો થઈ શકે છે.
આ બધી વાતો વચ્ચે જાણવા મળ્યું છે કે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. મળતા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ ભારતીય ટી ૨૦ ક્રિકેટના સેટઅપ સાથે ધોની ને મોટી ભૂમિકા માટે એક એસઓએસ મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે. જણાવી દઈએ કે બીસીસીઆઇ ધોનીને ભારતીય ક્રિકેટમાં કાયમી ભૂમિકા માટે ધોનીને બોલાવવા પર વિચાર કરી રહ્યું છે.
અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના હેડ કોચને ત્રણેય ફોર્મેટમાં ટીમનું મેનેજમેન્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે. એવામાં કોચિંગના કામને વહેંચવા માટે બીસીસીઆઇમાં ધોનીને સામેલ કરવામાં આવી શકે છે જેના માટે પ્રયાસ ચાલી રહ્યા છે. મહિનાના અંતમાં જ એપેક્સ કાઉન્સિલ બેઠક થવાની છે જેમાં આ મુદ્દે ખૂલીને ચર્ચા કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે આઇપીએલ ૨૦૨૩ બાદ જો ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લે તો જ બીસીસીઆઇ આ મુદ્દે કોઈ નિર્ણય લેશે. ભારતને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ધોનીનું સૌથી મોટું યોગદાન હતું ત્યારે ટી ૨૦ની જવાબદારી તેમને જ આપવામાં આવી શકે છે. ધોનીને ક્યારે અને કયા ફોર્મેટ માટે જવાબદારી સોંપવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પણ આ મહિનાના અંત સુધીમાં એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ધોનીની ભૂમિકા પર ચર્ચા કરશે.