જીલ્લા સેવા સદન દાહોદ ખાતે જીલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી અંગેની સમીક્ષા માટે મિટિંગ યોજાઈ

દાહોદ, દાહોદમાં લોકસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે મત ગણતરીના દિવસો નજીકમાં છે ત્યારે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લા સેવા સદન ખાતે તમામ નોડલ અધિકારીઓની સાથે મત ગણતરી અંગેની સમગ્રતયા કામગીરી વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે મિટિંગ યોજવામાં આવી હતી.

આ મિટિંગ દરમ્યાન મત ગણતરીના દિવસે મત ગણતરી સ્થળ પર ફરજ બજાવનાર તમામ નોડલ અધિકારીઓને તેમની કામગીરી અંગેની માહિતી પી.પી.ટી. દ્વારા વિસ્તૃતમાં આપવામાં આવી હતી. મત ગણતરી કેન્દ્ર ખાતે સુપર વિઝનથી લઈને પ્રવેશ ચકાસણી, પોલીસ બન્દોબસ્ત, પાર્કિંગ, સિક્યોરિટી, સફાઈ, સીસીટીવી જેવી મહત્વની બાબતોને ધ્યાને રાખી ચૂંટણી પ્રક્રિયાની દરેક કામગીરી વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની કચાશ રહી ના જાય તેની ખાસ તકેદારી રાખવા જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ સૂચના આપી હતી.

આ મિટિંગ દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે. એમ.રાવલ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ. પટેલ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા તેમજ તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.