- જીલ્લા પંચાયત, નડિયાદ ખાતે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પોસ્ટલ બેલટ ગણતરી અંગેની તાલીમ યોજાઈ.
- સમગ્ર મત ગણતરીની પ્રક્રિયાને ન્યાયપૂર્ણ અને શાંતિમય વાતાવરણમાં પુરી કરવા માર્ગદર્શન આપાવમાં આવ્યું.
નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર દેશમાં 04 જૂનના રોજ મત ગણતરી થનાર છે. ત્યારે મતગણતરી પ્રક્રિયામાં જીલ્લાના ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓને તાલીમબદ્ધ કરવાના આશય સાથે અધિક નિવાસી કલેક્ટર ભરત જોષીની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત, નડિયાદ ખાતે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પોસ્ટલ બેલટ ગણતરી અંગેની તાલીમ યોજાઈ. જેમાં, આ એડીશનલ મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલટ મત ગણતરી પ્રક્રિયામાં કરવામાં આવનાર કામગીરી બાબતે તાલીમ આપી તેમને મુંઝવતા પ્રશ્ર્નોનું સમાધાન આપવામાં આવ્યું હતું.
મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, કપડવંજ અનિલ ગૌસ્વામી દ્વારા પોસ્ટલ બેલટ મત ગણતરી અંતર્ગત ડોક્યુમેન્ટ્સ ચકાસણી, ડેકલેરેશન ફોર્મ, માન્ય એકરાર ધરાવતું કવર, વેલીડ વોટ ગણવા માટેના માપદંડો, ગોપતાના સિદ્ધાંતનું પાલન, વોટ રીજેક્શન માટેના કારણો અને જોગવાઈઓ સહિતની મતગણતરી પ્રક્રિયાને સરળ શબ્દોમાં સમજૂતી આપવામાં આવી હતી.
વધુમાં, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કુસુમ સુધીર પ્રજાપતિ દ્વારા મત ગણતરી વખતે ચૂંટણી અધિકારીઓના આઈકાર્ડની અનિવાર્યતા, ઓર્ડર, રિઝર્વ ઓર્ડર, હિસાબપત્રક, મોબાઈલ પ્રતિબંધ, સમયપાલન સહિતના શિસ્તના મુદ્દાઓથી તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અધિક નિવાસી કલેક્ટર ભરત જોષીએ સમગ્ર મત ગણતરીની પ્રક્રિયાને ન્યાયપૂર્ણ અને શાંતિમય વાતાવરણમાં પુરી કરવા તમામ અધિકારીઓને જરૂરી સહયોગ આપવા વિંનતી કરી હતી.
નોંધ છે કે, ખેડા જીલ્લામાં આઈટીઆઈ, પલાણા ખાતે તા. 04 જૂનના રોજ સવારે 08:00 કલાકથી મત ગણતરી શરૂ થશે. આ તાલીમમાં વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણીશાખાના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.