ખાનપુરના વાવ્યો ગામે ખેતરમાં મગર દેખાતા વન વિભાગ દ્વારા રેસ્કયુ કરાયું

મલેકપુર, મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના વાવ્યો ગામે આવેલ ખેતરમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો હતો ખાનપુર તાલુકા વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું.

વડોદરા જીલ્લાની જેમ મહીસાગર જીલ્લામાં પણ મગર દેખા દેતા હોય છે. જીલ્લામાં મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે, વન વિભાગ ને જાણ થતા જ તાત્કાલિક વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સલામત રીતે નદીમાં છોડી મૂકવામાં આવે છે. ત્યારે આજરોજ વાવ્યો ગામે વિઠ્ઠલભાઈ જેલાભાઈ પટેલના બાજરીના ખેતરમાં કાપણી ચાલુ હતી. તે દરમિયાન અચાનક મગર જોવા મળતા મજૂરોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ બાબતની જાણ ખેતર માલિકને થતા માલિકે તાત્કાલિક સરપંચને જાણ કરી હતી તો ગણતરીની મિનિટમાં મૈયાપુર ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ પંડ્યા સ્થળે પહોંચ્યા હતા. ખેતરમાં પહોંચેલ સરપંચે મગર હોવાની જાણ વન વિભાગને કરી હતી તો ગણતરીના કલાકમાં વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર જીબી ગોહિલ, કાયમી વોચમેન આર.આર.માલીવાડ, જેસીંગ ઉદા માલીવાડ, કે.પી. રાઠોડ, મંગળ ભૂરા સહિતની ટીમ સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ અંદાજીત ત્રણ થી ચાર ફૂટ લાંબા આ મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને રહેણાંક વિસ્તારથી દૂર ભાદર નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો.