ઝાલોદ નગરના કોલીવાડા મઠ ફળિયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર થી સ્થાનિકો પરેશાન : અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય

  • કોલીવાડા વિસ્તારમાં નવીન રસ્તા માટે વારેઘડીએ રજૂઆત કરવા છતાં : તંત્ર મૌન.

ઝાલોદ, ગુજરાત સરકાર વિકાસનીમોટી મોટી વાતો કરે છે. ત્યારે દાહોદ જીલ્લા ના ઝાલોદ નગરમાં વિકાસના નામે મીંડુ ઝાલોદ નગરના નગરપાલિકા વોર્ડ નંબર-2 વિસ્તારમાં આવેલ કોલીવાડા વિસ્તારમાં આવેલ ગુલીસ્તાન સોસાયટી અને મઠ ફળિયામાં જતા ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી અને તેમાંથી આવતી દુર્ગંધને લઈ તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયેલ છે. આ ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ ન રહેતા ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રોડ પર આવી જાય છે અને આવા દુર્ગંધ મારતા પાણીમાં જીવાતો પણ જોવા મળે છે. આ ભૂગર્ભ ગટરનુ કામ અધૂરૂં છે અને આ ભૂગર્ભ લાઇનનું પાણી સ્થાનિક ગટરો આવતા ગટર વારંવાર ઉભરાઈ જાય છે અને આ ગંદુ પાણી રોડ પર આવી જાય છે. આ અંગે અહીં રહેતા સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં કેટલીય વાર રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ આ સમસ્યાનો કોઈ કાયમનો ઉકેલ લાવવામાં આવતો નથી. આ દુર્ગંધ મારતા પાણીના લીધે પાણી જન્ય રોગચાળો થવાનો ડર સતત અહીં રહેતા સ્થાનિકોને સતાવતો રહે છે. જવાબદાર તંત્ર કાયમી આ સમસ્યાનો નિકાલ લાવતી નથી. તેથી સ્થાનિકો હવે આ સમસ્યાને લઈ આગામી સમયમાં નગરપાલિકા જો ત્વરિત કોઈ સચોટ નિર્ણય નહીં લેવાય તો નગરપાલિકાને તાળાબંધી જેવા પ્રોગ્રામ કરવાનું સ્થાનિકો વિચારી રહેલ છે. આવી ગંદકીમાં રહેતા હોવાથી કોઈ ભયંકર રોગચાળાના ભરડામાં કોઈ પરિવાર મુકાઈ જાય તો તેનું જવાબદાર કોણ.. આ ગંદા પાણીના લીધે હાલ તો અમુક નાની નાની બીમારીઓ તો સ્થાનિકોના ઘરમાં થઈ રહેલ છે. જેથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયેલ છે. અહીં રહેતા સ્થાનિકોની આ માંગણી જો સત્વરે પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકાનો ઘેરાવ કરી તાળાબંધી સુધીના કાર્યક્રમો કરવાનો મૂડ સ્થાનિકો બનાવીને બેસેલ છે.

નગરના દરેક વિસ્તારોમાં નવા રોડ રસ્તા બની રહેલ છે, પરંતુ વોર્ડ નંબર-2 કોલીવાડા વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહેલ નથી. અગાઉ ગેસ પાઇપ લાઇન જોડાણ વાળા આવીને રોડ તોડી નાખ્યો હતો. જે નગરપાલિકાને સ્થાનિકો દ્વારા કેટલીયવાર લેખિત અને મૌખિક અરજી આપવામાં આવેલ છે, પણ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી રહેલ નથી. નગરપાલિકા વોર્ડ નંબર-2 માં રહેતા લોકો રોડની માંગણી કરે ત્યારે જવાબદાર તંત્ર કે અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે આ રોડ માટેનું આયોજન થઈ ગયેલ છે અને જલ્દી થી આ રોડનું કામ ચાલુ કરવામાં આવસે તેવી વાતો જ સાંભળવા મળે છે. હવે તો અહીં રહેતા સ્થાનિકોની જો માંગણી પુરી કરવામાં નહીં આવે તો આગામી ચુંટણીનો વિરોધ કરવામાં આવે તેવું પણ સ્થાનિકો કહી રહેલ છે. ચુંટણી ટાણે દેખાતા કાઉન્સિલર ફક્ત વોટ માંગવા જ આવે છે પછી જોવાતા પણ નથી. આવા ન દેખાતા પૂર્વ કાઉન્સિલરોનો પણ ચુંટણી ટાણે વિરોધ અહીં રહેનાર સ્થાનિકો દ્વારા કરવામાં આવનાર છે. આમ, આ બંને સમસ્યાનું જો સમય મર્યાદામાં નિરાકરણ નહીં આવેતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવાનું મન સ્થાનિકો કરીને બેઠેલ છે.