પંચમહાલ જીલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન 25 ટકા હેઠળ ફાળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા વધારો કરવા જીલ્લા પંચાયત શિક્ષણ ચેરમેન દ્વારા રજુઆત

ગોધરા, પંચમહાલ જીલ્લાના મોટાભાગના તાલુકાઓ ટ્રાયબલ વિસ્તાર છે. તેમજ અમુક વિસ્તાર પોકેટ વિસ્તાર ટ્રાયબલ સમાવિષ્ટ છે. જેમાં મોટાભાગના વાલીઓ એસ.ટી., ઓ.બી.સી. અને બી.પી.એલ. કુટુંબો ધરાવે છે. ચાલુ વર્ષ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25 ટકા મુજબ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે ફાળવેલ લક્ષ્યાંક 516 વિદ્યાર્થીઓ માટે હતો. હાલમાં પ્રથમ અને બીજા રાઉન્ડ કુલ 499 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધા છે અને 27 જગ્યાઓ હાલ વેટીંગ છે.

જીલ્લા માંથી કુલ 3150 અરજીઓ વાલીઓ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર નોંધાવા આવેલ અને તે પૈકી 2205 અરજીઓ એપ્રૂવ થયેલ છે અને તેની સામે માત્ર 516 વિદ્યાર્થીઓની જગ્યાઓ શિક્ષણ વિભાગ દ્વારા મંજુર થઈને આવેલ છે. જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહેવા પામેલ છે. ત્યારે જીલ્લાની ભૌગોલિક, સામજીક અને આર્થિક સ્થિતીનો અભ્યાસ કરી પ્રવેશની સંખ્યામાં વધારો કરી આપવા માટે જીલ્લાના વાલીઓની માંગ છે. જીલ્લામાં ખાનગી શાળાની સંખ્યા 126 જેટલી છે. જેથી વર્ગદીઠ સરેરાશ 40 વિદ્યાર્થીઓને 25 ટકા મુજબ લક્ષ્યાંક ફાળવવામાં આવે તો 126 શાળાઓમાં 10ની સંખ્યા મુજબ 1260 વિદ્યાર્થીઓનો લક્ષ્યાંક નિયત થઈ શકે છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી આપવા માટે પંંચમહાલ જીલ્લા શિક્ષણ ચેરમેન અરવિંદસિંહ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.