અમદાવાદમાં ૧૧ સાયન્સ માટે ૯ હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર

અમદાવાદ, અમદાવાદ ૧૧ સાયન્સ માટે ૯ હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. આ મુજબ ૨૫મેથી શાળા કક્ષાએથી પ્રવેશ ફોર્મની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રવેશ ફોર્મ ૩૦મે સુધી આપવામાં આવશે. તેથી વિદ્યાર્થીઓએ નિયત તારીખ દરમિયાન પ્રવેશ ફોર્મ જમા કરાવવાના રહેશે.

દસમાં ધોરણમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં મેળવેલા માર્ક્સને ધ્યાનમાં રાખીને પ્રવેશ મેરિટ યાદી તૈયાર કરાશે. આ પ્રવેશ પ્રક્રિયા પ્રોવિઝનલ માર્કશીટને યાનમાં રાખીને કરવાની રહેશે. શાળા કક્ષાની પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા પછી પ્રવેશતી વંચિત રહેલા વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય ભરતી પ્રક્રિયાના ફોર્મ ૧૦ જૂનના રોજ સરકારી કન્યા શાળા રાયખડ અમદાવાદ ખાતે સવારે ૧૧થી બપોરે ચાર દરમિયાન મેળવીને તે જ દિવસે ફોર્મ ભરીને વિતરણ કેન્દ્ર પર પરત જમા કરાવવાના રહેશે.

આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની દરેક સ્કૂલને વિદ્યાર્થીઓની ઓવરઓલ પ્રવેશ મેરિટ યાદી તૈયાર કરીને ૩૧ મેએ સવારે ૯ વાગ્યે નોટિસ બોર્ડ પર મૂકવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓમાંથી પ્રવેશને પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓની પ્રથમ પ્રવેશ યાદી પહેલી જૂને જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર બીજી અને ત્રીજી પ્રવેશ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે.