સાવરકર પર ટિપ્પણી કરીને રાહુલ ગાંધી ફસાયા? કોર્ટ હાજર રહેવાની નોટિસ આપી શકે છે

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વીડી સાવરકરના પૌત્રે રાહુલ ગાંધી પર સાવરકરને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે પુણે પોલીસે કોર્ટમાં પોતાનો તપાસ અહેવાલ રજૂ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પ્રથમદર્શી સત્ય છે. મળતી માહિતી મુજબ હવે કોર્ટ રાહુલ ગાંધીને આ મામલામાં હાજર થવા માટે નોટિસ આપી શકે છે.

વીડી સાવરકરના પૌત્ર સાત્યકી અશોક સાવરકરે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૨૩માં લંડનમાં આપેલા ભાષણમાં ખોટા દાવા કરીને હિન્દુત્વ વિચારક સાવરકરને બદનામ કર્યા હતા. રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે સાત્યકી સાવરકરના વકીલે કહ્યું છે કે આ મામલામાં રિપોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (પ્રથમ વર્ગ) અક્ષી જૈનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટ રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને હાજર થવા માટે કહી શકે છે.

વાસ્તવમાં, ફરિયાદ મુજબ, રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં દાવો કર્યો હતો કે વીડી સાવરકરે એક પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના પાંચ-છ મિત્રોએ એકવાર એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને સાવરકર તેનાથી ખુશ હતા. સાત્યકી સાવરકરે કહ્યું હતું કે આવી કોઈ ઘટના ક્યારેય બની નથી અને વી.ડી. સાવરકરે પણ આવું ક્યાંય લખ્યું નથી. રાહુલ ગાંધીના નિવેદનને કાલ્પનિક, ખોટું અને દૂષિત ગણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, વિશ્રામબાગ પોલીસે કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે અને તેની તપાસમાં જણાવ્યું છે કે વીડી સાવરકરે તેમના કોઈપણ પુસ્તકમાં આવી ઘટના વિશે લખ્યું નથી. આ પછી પણ રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન આવી ટીપ્પણી કરીને સાવરકરને બદનામ કર્યા હતા. પોલીસે કહ્યું છે કે સાત્યકી સાવરકરે નોંધાવેલી ફરિયાદમાં પ્રથમદર્શી સત્ય છે.