ગોધરામાં મોડીરાત સુધી ધમધમતા બોકસ ક્રિકેટ પર સમય મર્યાદા નકકી કરવા માંગ

ગોધરા, રાજકોટ ખાતે ગેમઝોનમાં લાગેલી ભીષણ આગની ધટનાને પગલે પંચમહાલનુ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર અચાનક સફાળુ જાગ્યુ છે. પરંતુ ગોધરામાં છેલ્લા કેટલાક સમયથી બોકસ ક્રિકેટનુ દુષણ થઈ ગયુ છે. મોડીરાત સુધી ચાલતી આ બોકસ ક્રિકેટની આડમાં હાવે સટ્ટા બેટીંગની પ્રવૃત્તિ પણ શરૂ થઈ હોવાનુ અને તેના કારણે નાના-મોટા ઝધડાઓ પણ થતાં હોય કયારેક મોટી જાનહાનિ સર્જાય તવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

ગોધરામાં છેલ્લા કેટલાક સમયથી અનેક ઠેકાણે બોકસ ક્રિકેટ રમાતુ થઈ ગયુ છે. આ બોકસ ક્રિકેટના આયોજકો વધુમાં વધુ પૈસા કમાવવાના આશયથી મોડીરાત સુધી ક્રિકેટ રમાડે છે. ત્યાં એક સ્લોટના કલાકના રૂ.3 હજારથી 4 હજાર સુધી વસુલાતા હોય છે. જયાં ક્રિકેટ રમવા આવતા યુવાનો મોડી રાત સુધી પોતાના સ્લોટની રાહ જોતા ઉભા રહે છે. મનોરંજનના નામે શરૂ થયેલી આ બોકસ ક્રિકેટ હવે સટ્ટા બેટીંગનો અડ્ડો બનતો જાય છે. જયાં સટ્ટોડિયાઓ લાઈવ મેચ પર સટ્ટો રમવા ભેગા થતાં હોય છે. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી ધટના બને તે પહેલા તંત્રએ પણ કાર્યવાહી કરી મોડીરાત સુધી ધમધમતા બોકસ ક્રિકેટ પર સમયથી પાબંદી લગાવવા તેમજ આવા સ્થળે પોલીસનુ પેટ્રોલિંગ વધારવા માંગ કરાઈ રહી છે.