વિરપુર, વિરપુર પશુ દવાખાના સામે આવેલ રતનકુવા રોડ ઉપર જતાં પોલીથીન પ્લાસ્ટિક કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જયાં પોલીથીન પ્લાસ્ટિકના ઢગમાં ગાયો પોતાનુ પેટ ભરવા ખાવાનુ શોધતી હોય છે. અને આવાની સાથે તેઓના પેટમાં પ્લાસ્ટિક પણ જઈ રહ્યુ છે. જેને લઈ પશુધનના આરોગ્યને હાનિ પહોંચી રહી છે. તેવા પણ ધણા કિસ્સાઓ બનવા પામ્યા છે. આ કચરાના ઢગ માટે જવાબદાર કોણ ?તે પ્રશ્ર્ન લોકોને સતાવી રહ્યો છે. અહિંયાથી આવતા-જતા લોકોને આ કચરાના ઢગમાંથી આવતી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે પર્યાવરણ, માનવજાત સાથે પશુના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે. પ્લાસ્ટિક ખાવાથી પશુધનના આરોગ્ય પર અસર પડી રહી છે. જયારે આ કચરાના ઢગની બાજુમાં લાવરી નદી છે જયાં નદીમાં ગંદકીનુ પ્રમાણ વધી ગયેલુ જોવા મળે છે. અને પાણી પણ દુષિત થઈ રહ્યુ છે. સાથે જમીનમાં પ્લાસ્ટિકનુ એક મોટુ સ્તર થવાની પુરી સંભાવના લોકો જોઈ રહ્યા છે.જેથી વહેલી તકે તંત્ર દ્વારા પ્લાસ્ટિકની થેલીના વેચાણ અને વપરાશ ઉપર અંકુશ લાવે અને આવા કચરાના ઢગનુ કાયમી ધોરણે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.