શહેરા,શહેરા તાલુકાના વરીયાલ ગામની આંગણવાડી કેન્દ્ર પાછલા ચાર વર્ષથી જજરીત છે. આ આંગણવાડી કેન્દ્ર ખાતે 35 બાળકો ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહયા હોઈ ત્યારે સબંધિત તંત્ર અહીં કોઈ દુર્ઘટના બને તે પહેલા આંગણવાડી કેન્દ્રનું નવીન મકાન વહેલી તકે બને તેવી માંગ વાલીઓ કરી રહ્યા હતા.
શહેરા તાલુકાના વરીયાલ ગામની એકમાત્ર આંગણવાડી તે પણ જજરીત હાલતમાં છે. આંગણવાડી કેન્દ્ર વર્ષો જૂની હોવા સાથે આ ગામના અલગ અલગ વિસ્તારમાંથી 35 જેટલા નાના ભૂલકાઓ અહીં શિક્ષણ માટે આવતા હોય છે. જોકે, આંગણવાડી કેન્દ્રમાં તિરાડો પડી જવા સાથે છત પરના બીમ પરથી પોપડા પણ ખરી પડતા હોય ત્યારે અહીં શિક્ષણ માટે આવતા નાના ભૂલકાઓ સાથે ક્યારે કોઈ ઘટના બની જાય તે અહીંની પરિસ્થિતિને જોતા ખબર પડી જાય છે. આંગણવાડી કેન્દ્રનું શૌચાલયના દરવાજા તેમજ લોખંડની જારી પણ અમુક જગ્યાથી તૂટી ગયેલી નજરે પડી રહી હતી. જોકે, આંગણવાડી કેન્દ્ર નવીન બને એ માટે આંગણવાડી કાર્યકર દ્વારા તેમની કચેરી ખાતે પણ અનેક રજૂઆતો કરવામાં આવ્યા બાદ પણ નવીન નહીં બનતા ના છૂટકે આ જજરીત આંગણવાડીમાં ભૂલકાઓને બેસાડવાની ફરજ પડતી હોય છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે મસ મોટી જાહેરાતો કરવામાં આવતી હોય ત્યારે સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા આ આંગણવાડી કેન્દ્રનું નવીન મકાન વહેલી તકે બને એવા પ્રયાસો કરવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા હતા. આંગણવાડી કેન્દ્રથી શિક્ષણની શરૂઆત કરતા નાના ભૂલકાઓના હિતમાં યોગ્ય નિર્ણય સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા ક્યારે લેવામાં આવશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે, તેમજ આ ગામમાં એક જ આંગણવાડી હોવાથી સરપંચ તેમજ જાગૃત ગ્રામજન દ્વારા પણ તંત્રનું ધ્યાન અનેક વખત દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ હતું.