જમ્મુ-કાશ્મીરમાં લોકો એક થાય તો વિશેષ દરજ્જાથી પણ વધુ મળે: મહેબૂબા

શ્રીનગર,

પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુતીએ જણાવ્યું છે કે, ભારત જેમ અંગ્રેજો સામે એક થયું હતું એવી રીતે જમ્મુ-કાશ્મીરના લોકો પણ એકત્રિત થાય તો વિશેષ દરજ્જો પાછો મેળવવાનું કામ બહુ મુશ્કેલ નથી. ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત કેન્દ્ર સરકારે ૨૦૧૯માં ૩૭૦ની કલમ નાબૂદ કરી હતી. આ જ કલમને લીધે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

જોકે, તેની નાબૂદી પછી જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાએ જણાવ્યુંહતું કે, ’પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) કાશ્મીર સમસ્યાના ઉકેલની તરફેણમાં છે. આપણી ઓળખ અને અસ્તિત્વ જોખમમાં છે. આ કલમ ૩૭૦ અને ૩૫એ નો મુદ્દો નથી, પણ જમ્મુ-કાશ્મીરની સમસ્યા અંગે વિચારવાની વાત છે.’

મહેબૂબાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’અમે વારંવાર આ મુદ્દો નહીં ઉઠાવીએ. (કલમ ૩૭૦ ની) પુન: સ્થાપના વાસ્તવિક્તા છે અને તે આજે, કાલે કે પછી થઈને રહેશે. પીડીપી અન્ય સમસ્યાઓ માટે પણ સંઘર્ષ કરતી રહેશે જેના માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે.’

મહેબૂબા મુતિએ અહીં પીડીપી હેડક્વાર્ટર ખાતેના સમારોહમાં બોલતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીર પીપલ્સ મુવમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ સૈયદ ઇકબાલ તાહિર પક્ષમાં જોડાયા હતા. પીડીપીના વડા મહેબૂબાએ જણાવ્યું હતું કે, ’જમ્મુ-કાશ્મીરના લોકો એક થાય તો આપણે ઘણું વધારે હાંસલ કરી શકીએ. જેમ ભારત અંગ્રેજો સામે એક થયું હતું એવી રીતે લોકો ભેગા થાય તો કલમ ૩૭૦ની પુન: સ્થાપના મોટો પડકાર નહીં રહે.’ તેમણે કહ્યું હતું કે, ’ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ન હોત તો જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો ન બન્યું હોત. અત્યારે જેવી સ્થિતિ છે એ ૧૯૪૭માં હોત તો જમ્મુ-કાશ્મીર ક્યારેય ભારતમાં જોડાયું ન હોત.’