મધ્યાહન ભોજનમાં નીકળ્યા જીવડાં, વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી તો પ્રિન્સિપાલે કહ્યું- તેમાં વિટામિન છે

પટણા,

શાળાઓમાં પીરસવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઇ અવારનવાર સવાલો ઉભા થઇ રહ્યા છે. તો અનેક વાર ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ પણ સામે આવી છે. હવે બિહારની એક શાળામાં પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી છે. બાળકોએ આચાર્યને ફરિયાદ કરી તો બાળકોને જ ધમકાવ્યા હતા. અને કહ્યું તેમાં વિટામિન છે શાંતિથી ખાઈ લો.

પ્રાપ્ત વિગતો અનુસાર બિહારના વૈશાલી જિલ્લામાંથી શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત મળી આવતાં બાળકોએ આચાર્યને ફરિયાદ કરી હતી. પરંતુ, પ્રિન્સિપાલે તેના પર કાર્યવાહી કરવાને બદલે બાળકોને કહ્યું કે જંતુઓમાં વિટામિન હોય છે, તેને શાંતિથી ખાઓ. એટલું જ નહીં, જ્યારે વિદ્યાર્થીઓએ તેને ખાવાની ના પાડી તો પ્રિન્સિપાલે તેમાંથી એકનો હાથ તોડી નાખ્યો. આ પછી શાળામાં હોબાળો મચી ગયો હતો. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, આ મામલો જિલ્લાના લાલગંજ અતાતુલ્લાપુર સ્થિત એક મિડલ સ્કૂલનો છે. શનિવારે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જમવાનું શરૂ કર્યું કે તરત જ તેમને ભાતમાં કીડા જોવા મળ્યા. વિદ્યાર્થીઓએ આ વાત શાળાના આચાર્ય મોહમ્મદ મિસવાઉદ્દીનને કરી હતી. પરંતુ, પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને કહ્યું, જંતુઓમાં વિટામિન હોય છે, તેને શાંતિથી ખાઓ. આચાર્યનો આ જવાબ સાંભળીને વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. જ્યારે વિદ્યાર્થીઓએ તેને ખાવાની ના પાડી તો પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર મારવાનું શરૂ કર્યું. એક વિદ્યાથનીનો હાથ તૂટી ગયો.

આ પછી મામલો ઉગ્ર બનતા જ બાળકીનો હાથ તૂટી ગયો હતો તેના પરિવારજનો શાળાએ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો. આ પછી મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓની એક ટીમને તપાસ માટે સ્કૂલ મોકલવામાં આવી હતી.