
મુંબઇ, સિનેમા જગતને મોટો આંચકો લાગ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સવારથી જ શોકનું મોજુ છવાઈ ગયું છે. હા, પ્રખ્યાત અભિનેતા જોની વેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જોની વેક્ટર જનરલ હોસ્પિટલ પર બ્રાન્ડો કોર્બીન તરીકેની ભૂમિકા માટે જાણીતા છે. જો અહેવાલો પર વિશ્ર્વાસ કરવામાં આવે તો, જોનીને શનિવારે સવારે લોસ એન્જલસમાં દુ:ખદ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિત અનુસાર પ્રખ્યાત અભિનેતા જોની વેક્ટરની ચોરીના પ્રયાસમાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા પર જોનીની માતાનું નિવેદન પણ સામે આવ્યું છે. અભિનેતાની માતા સ્કારલેટે જણાવ્યું હતું કે જોની પર શનિવારે સવારે ૩ વાગ્યે કેટલાક ચોરોએ હુમલો કર્યો હતો. લૂંટનો પ્રયાસ કરતી વખતે તેઓએ હુમલો કર્યો અને ઝપાઝપીમાં જોનીની ગોળી મારીને હત્યા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જોની તેની કારમાં જઈ રહ્યો હતો અને અચાનક ત્રણ ચોરોએ જોનીની કારમાંથી કેટાલિટિક કન્વર્ટર ચોરી કરવાનો પ્રયાસ શરૂ કર્યો. અભિનેતાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો કે અને આ ઘટના બની હતી.
માતાનું કહેવું છે કે જ્યારે જોનીએ ચોરોને રોકવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન ચોરોએ અભિનેતાને ગોળી મારી દીધી. એટલું જ નહીં, પરંતુ અભિનેતાની માતાએ દાવો કર્યો કે અભિનેતા ચોરો સામે લડવાનો પ્રયાસ કરતો રહ્યો અને ઝપાઝપીમાં તેને ગોળી મારી દેવામાં આવી. આ પછી, જોનીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોની ટીમે જોનીને મૃત જાહેર કર્યો. અભિનેતાના નિધનથી ચાહકોને પણ આઘાત લાગ્યો છે અને દરેક જણ દુ:ખી છે.
તેમના જવાથી માત્ર જોનીના પરિવારને જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીને પણ મોટી ખોટ પડી છે. દરેક જણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર માત્ર જોનીની જ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. જોની માત્ર ૩૭ વર્ષનો હતો અને તેના સિવાય તેના બે નાના ભાઈ અને બહેનો છે.