વડોદરા,નેશનલ ઈન્વેસ્ટીગેશન એનજન્સીએ વડોદરામાં દરોડા પાડ્યા છે. એનઆઇએ દ્વારા હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતના વડોદરામાં એનઆઇએના દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઇએની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી વડોદરાના સુભાનપુરામાં આવેલી યુઈએસ નામની ઓફિસમાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે ક્રાઇમ બ્રાંચે મનીષ હિંગુ નામના શખ્સની અટકાયત કરીને ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દેશના અલગ અલગ શહેરોમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એનજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેમાંથી વડોદરામાં સુભાનપુરામાં આવેલા વિશ્ર્વમોહિની કોમ્પલેક્ષમાં યુઇએસ નામની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઇએની ટીમના સંયુક્ત ઓપરેશનમાં મનિષ હિંગુ નામના શખ્સની ધરપકડ કરી છે. મનિષ હિંગુએ દિબાંશું શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી તેમને વિએતનામ મોકલ્યા હતા. ત્યાંથી દિબાંશુ શાહુને કંબોડિયા મોકલીને ૩૫થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. ફરિયાદીએ આરોપી મનીષ હીંગુને લોન લઈ ૧.૫૦ લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર લઈ જઈ હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.