ગોધરામાં સામાન્ય બાબતે સાઢુએ સાઢુ ઉપર ચપ્પુના ધા મારી હુમલો કર્યાની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ

ગોધરા, ગોધરા શહેર સુદ હોસ્પિટલ લાબાગ બસ સ્ટેન્ડ ઉપર એક સાઢુભાઈએ પોતાના સાઢુભાઈ ઉપર ચપ્પુ વડે હુમલો કરી બરડા અને થાપાના ભાગે ચપ્પુના ધા વાગતા આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા મજાવર રોડ ઉભલોડીયા પ્લોટ ઈસ્માઈલ મસ્જિદ પાસે રહેતા જુનેદ અલ્તાફ મામજી તા.25મેના રોજ પોતાની સાળી સાયમાની દવા લેવા માટે મેડિકલ સ્ટોર સુદ હોસ્પિટલ ખાતે પોતાના મિત્રની બાઈક ઉપર નીકળ્યા હતા ત્યારે ચર્ચથી આગળ જતા બસ સ્ટેન્ડ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનો સાઢુભાઈ ઈબ્રાહિમ હનીફ ઉમરજી(રહે.ભીલોડા પ્લોટ, આદમ કોલોની)તેની ગાડી લઈને તેની પાછળ આવ્યો હતો. બાઈકને ઓવરટેક કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ બીજો એરીયા છે અહિં બોલ તેમ કહી ગાલ ઉપર તમાચો માર્યો હતો. ગાડીની ડીકીમાંથી ચાકુ લઈ આવી ગળા ઉપર મારવા જતા ફરિયાદીએ હાથ આડો કરી દેતા હાથના કાંડામાં ચપ્પુનો ધા વાગ્યો હતો. જયારે ચપ્પુ વડે પગની ઝાંધના ભાગે અને બરડામાં ધા મારી ઈજાઓ પહોંચાડી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઈબ્રાહિમ હનીફ ઉમરજી ફરિયાદીના સાઢુ થતો હોય જેને એક સપ્તાહ પહેલા ફોન કરીને તુ મારા ધર સંસારમાં દખલ કરવાનુ બંધ કરો, જે બાબતની અદાવત રાખી આરોપી સાઢુભાઈએ ચપ્પુના ધા મારી ઈજાઓ પહોંચાડી આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.