દે.બારીઆના નવા ઠાકોરવાડા વિસ્તારમાં લો-વોલ્ટેજથી હાલાકી

દે.બારીઆ,દે.બારીઆ નગરના એવા નવા ઠાકોરવાડા વિસ્તારમાં કાળઝાળ ગરમી ઉપરાંત વીજળના લો-વોલ્ટેજના ધાંધિયાથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે. હિટવેવના કારણે લોકોના આરોગ્ય ઉપર વ્યાપક અસર થઈ રહી છે. જયારે લો-વોલ્ટેજને કારણે લોકોના ધરોમાં વીજ ઉપકરણો મંદ પડવા સાથે નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. જે અંગે સ્થાનિક લોકોએ વીજ કંપનીની કચેરીએ લેખિત રજુઆત કરી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.

દે.બારીઆના નવા ઠાકોરવાડામાં લો-વોલ્ટેજની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે. વીજ ઉપકરણો ઉપડતા નથી. વીજળી ડીમ ફુલ રહ્યા કરે છે. જેના કારણે લોકોને શેકાવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકોએ આ બાબતે લેખિત રજુઆતો કરવા છતાં વીજ કચેરી દ્વારા કોઈ જ કામ કરાતુ નથી. જવા ઠાકોરવાડા નગરપાલિકાના વોર્ડ-1માં સમાવિષ્ટ વિસ્તાર છે. અહિં સરેરાશ 500થી વધુ રહેણાંક મકાનો છે. પરંતુ વિસ્તારમાં ભર ઉનાળે લાઈટનો મોકાણ સર્જાઈ છે. છેલ્લા એક મહિનાથી વીજળી સંતાકુકડી રમતી હોય તેમ એ આવી…એ ગઈ…તે રીતે ડિમ-ફુલ એટલે કે લો-વોલ્ટેજ રહ્યા કરે છે. જેના કારણે પંખા, એ.સી., કુલર, ફ્રિજ સહિતના વીજ ઉપકરણો ઉપડતા નથી. જેના પરિણામે લોકોને દિવસ-રાત વીજળી વિના ટળવળવુ પડે છે.